લગાતાર બે મૅચ જીતી દીપિકાકુમારીએ

29 July, 2021 04:33 PM IST  |  Mumbai | Agency

ભારતીય ખેલાડીએ પહેલાં ભુતાનની ખેલાડી સામે ૬-૦ બાદ અમેરિકન ટીનેજર સામે સંઘર્ષમય ૬-૪થી જીત સાથે મેડલની આશા જીવંત રાખી

લગાતાર બે મૅચ જીતી દીપિકાકુમારીએ

ભારતની સ્ટાર તીરંદાજ દીપિકાકુમારીએ તેના અત્યાર સુધીના નબળા પર્ફોર્મન્સને ભૂલાવીને સતત બે મૅચ જીતીને મેડલ માટેની આશા જીવંત રાખી હતી. જોરદાર પવન અને તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ ન કરી શકવા છતાં દીપિકા જીત મેળવવામાં સફળ થઈ હતી. દીપિકાએ પહેલાં ભુતાનની કર્માને આસાનીથી ૬-૦થી હરાવીને મહિલા વ્યક્તિગત સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. 
બીજા મુકાબલામાં જોકે દીપિકાને જીત માટે અમેરિકન ટીનેજર જેનિફર મુસિનો ફર્નાન્ડેઝ સામે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. પહેલા સેટમાં જીત મેળવીને જેનિફરે દીપિકા સામે ૨-૦થી લીડ લઈ લીધી હતી, પણ દીપિકાએ બીજા સેટમાં શાનદાર કમબૅક કરીને ૨-૨ની બરોબરી મેળવી લીધી હતી. ત્રીજા સેટમાં પણ એ જ પર્ફોર્મન્સ જાળવી રાખીને ૪-૨થી લીડ લીધી હતી. જોકે ત્યાર બાદ જેનિફરે ત્રીજા સેટમાં કમબૅક કરીને ૪-૪થી બરોબરી મેળવી લીધી હતી. પાંચમા અને છેલ્લા સેટમાં જોકે દીપિકાએ ફરી તેનો અસલી ટચ બતાવી મૅચ ૬-૪થી જીતીને ૧/૮ એલિમિનેશન રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.

જાધવ-તરુણદીપે નિરાશ કર્યા

બૅડ્મિન્ટનની જેમ આર્ચરીમાં પણ ભારતીય પુરુષ ખેલાડીઓએ નિરાશ કર્યા હતા. ભારતના તરુણદીપ રાયને ઇઝરાયલના તેનાથી નીચલી રૅન્કિંગવાળા ખેલાડી સામે શૂટ ઑફમાં ૫-૬થી હાર જોવી પડી હતી. જ્યારે પ્રવીણ જાધવને રશિયાના ખેલાડી સામે ૬-૦થી શાનદાર જીત બાદ અમેરિકન ખેલાડી સામે ૦-૬થી હાર જોવી પડી હતી. પુરુષોમાં હવે દીપિકાનો પતિ અતાનુ દાસ જ જળવાઈ રહ્યો છે. 

sports sports news