દીપિકાકુમારી ફક્ત ૬ મિનિટમાં હારી ગઈ

31 July, 2021 09:41 AM IST  |  Mumbai | Agency

વર્લ્ડ નંબર વન તીરંદાજનું ઑલિમ્પિક્સના મેડલનું સપનું ત્રીજી વાર ચકનાચૂર : પ્રી-ક્વૉર્ટરમાં જીત્યા પછી ક્વૉર્ટરમાં પરાજિત

દીપિકાકુમારી ફક્ત ૬ મિનિટમાં હારી ગઈ

ટોક્યો ઑલિમ્પિક્સની તીરંદાજી (આર્ચરી)ની સ્પર્ધામાં ગઈ કાલે ભારતની વર્લ્ડ નંબર વન દીપિકાકુમારી ક્વૉર્ટર ફાઇનલમાં ખરાબ રીતે હારી જતાં વ્યક્તિગત સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ હતી. એની સાથે ઑલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનું તેનું સપનું ત્રીજી વખત તૂટ્યું છે. ૨૭ વર્ષની દીપિકા ક્વૉર્ટરમાં કોરિયાની ૨૦ વર્ષની ટૉપ-સીડેડ ઍન સૅન સામે સ્ટ્રેઇટ સેટમાં હારી જતાં તેની સામે સાવ ઝૂકી ગઈ હતી.
દીપિકાનો પડકાર માત્ર ૬ મિનિટ સુધી ચાલ્યો હતો. પ્રારંભિક સેટમાં ૦-૨થી પાછળ રહ્યા બાદ દીપિકાનાં નિશાન ઉપરાઉપરી નિષ્ફળ રહ્યાં હતાં, જેને કારણે તેના કમબૅકની આશા રહી જ નહોતી, પર ગણતરીની મિનિટોમાં જ તે પરાજિત થઈ હતી. ગઈ કાલે એ પહેલાં, પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં દીપિકાએ ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન રશિયાની ક્સેનિઆ પેરોવાને રોમાંચક વન-ઍરો શૂટ-ઑફમાં હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ ક્વૉર્ટરમાં હારી ગઈ હતી.
ગઈ કાલે ક્વૉર્ટરના પરાજય બાદ દીપિકાએ કહ્યું હતું કે ‘મને સમજાતું નથી કે મારાથી આવું કેવી રીતે થયું. મેં સારું પર્ફોર્મ કરવાના ખૂબ પ્રયત્ન કર્યા હતા, પરંતુ મારી અપેક્ષા જેવું જરાય રમી ન શકી. હું પોતે મારાથી નારાજ છું, કારણ કે છેલ્લા બે વર્લ્ડ કપમાં તો મેં ઘણો સારો દેખાવ કર્યો હતો. હું આ મુકાબલામાં સારી શરૂઆત કરવામાં સાવ નિષ્ફળ રહી હતી.. મારા માટે આ કંઈ અઘરો મુકાબલો નહોતો, પરંતુ હું મારી ક્ષમતા મુજબ ન રમી અને ઍન સૅન માટે જીતવાનું આસાન થઈ ગયું હતું.’

આજે ઑલિમ્પિક્સમાં ભારત

આર્ચરી
મેન્સ ઇન્ડિવિજ્યુઅલ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : અતનુ દાસ વિરુદ્ધ તાકાહુરા ફુરુકાવા (જપાન) : સવારે ૭.૧૮ વાગ્યે
ઍથ્લેટિક્સ
વિમેન્સ ડિસક્સ થ્રો ક્વૉલિફિકેશન-ગ્રુપ ‘અે’માં સીમા પુનિયા : સવારે ૬.૦૦ વાગ્યે
વિમેન્સ ડિસ્ક્સ થ્રો ક્વૉલિફિકેશન-ગ્રુપ ‘બી’માં કમલપ્રીત કૌર : સવારે ૭.૨૫ વાગ્યે
મેન્સ લૉન્ગ જમ્પ ક્વૉલિફિકેશન-ગ્રુપ ‘બી’માં શ્રીશંકર : બપોરે ૩.૪૦ વાગ્યે
બૅડ્મિન્ટન
વિમેન્સ સિંગલ્સ સેમી ફાઇનલમાં પી. વી. સિંધુ વિરુદ્ધ તાઇ ત્ઝુ-યિન્ગ (તાઇવાન) : બપોરે ૩.૨૦ વાગ્યે
બૉક્સિંગ
મેન્સ બાવન કિલોગ્રામ રાઉન્ડ 
(પ્રી-ક્વૉર્ટર ફાઇનલ)માં અમિત પંઘાલ વિરુદ્ધ યુરબેરેયન હેરની માર્ટિનેઝ રિવાસ (કૉલમ્બિયા) : સવારે ૭.૩૦ વાગ્યે
વિમેન્સ ૭૫ કિલોગ્રામ રાઉન્ડ (ક્વૉર્ટર ફાઇનલ)માં પૂજા રાની વિરુદ્ધ લિ કિઆન (ચીન) : બપોરે ૩.૩૬ વાગ્યે
ગૉલ્ફ
મેન્સ ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રોકપ્લે રાઉન્ડ-ટૂ (જે ગઈ કાલે સસ્પેન્ડ કરાયો હતો)માં અનિરબન લાહિરી વિરુદ્ધ ઉદયન માને : સવારે ૪.૧૫ વાગ્યે
હૉકી
વિમેન્સ પુલ ‘એ’માં ભારત 
વિરુદ્ધ સાઉથ આફ્રિકા મૅચ : સવારે ૮.૪૫ વાગ્યે
સેઇલિંગ
મેન્સ સ્કિફ ૪૯ઈઆર રેસ ૧૦, ૧૧ અને ૧૨માં કે. સી. ગણપથી અને વરુણ ઠક્કર : સવારે ૮.૩૫ વાગ્યે
શૂટિંગ
વિમેન્સ ૫૦ મીટર રાઇફલ થ્રી પોઝિશન્સ ક્વૉલિફિકેશનમાં અંજુમ મોડગિલ અને તેજસ્વિની સાવંત : સવારે ૮.૩૦ વાગ્યે

sports news sports