19 September, 2025 11:24 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
ટોક્યોમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપના મેન્સ જૅવલિન-થ્રોની ફાઇનલમાં આઠમા ક્રમે રહ્યા બાદ ખૂબ જ નિરાશ થઈ ગયેલો નીરજ ચોપડા.
પીઠના દુખાવા સામે ઝઝૂમી રહેલો ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ ચોપડા ગુરુવારે ટોક્યોમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપના મેન્સ જૅવલિન-થ્રોની ફાઇનલમાં નિરાશાજનક આઠમા ક્રમે રહ્યો હતો. ફાઇનલમાં તે ૮૪.૦૩ મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે બહાર થઈ ગયો હતો. વર્લ્ડ ચૅમ્પિયનશિપની ૨૦૨૨ની સીઝનમાં તે સિલ્વર મેડલ અને ૨૦૨૩ની સીઝનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લાં ૭ વર્ષમાં પહેલી વખત તે આઠમા ક્રમાંકે રહ્યો, જ્યારે છેલ્લાં ચાર વર્ષમાં પહેલી વખત તે ટૉપ-ટૂની બહાર છે. તે છેલ્લી ૨૬ ઇવેન્ટમાં સતત ટૉપ-ટૂમાં રહ્યો હતો.
આ રિઝલ્ટ તેના શાનદાર કરીઅરનું સૌથી ખરાબ રિઝલ્ટ માનવામાં આવશે. આ પહેલાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન ૮૨.૨૭ મીટર હતું જ્યારે મે ૨૦૨૪માં ફેડરેશન કપમાં તે ગોલ્ડ મેડલ જીત્યો હતો. છેલ્લાં બે અઠવાડિયાંથી પીઠની સમસ્યાથી પીડાઈ રહેલો નીરજ ગઈ કાલે પાંચ પ્રયાસમાં ૮૫ મીટરનો આંકડો પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
ભારતનો ૨૫ વર્ષનો સચિન યાદવ ચોથા અને પાકિસ્તાનનો અર્શદ નદીમ ૧૦મા ક્રમાંકે રહ્યા
ઉત્તર પ્રદેશના બાગપત નજીકના ખેકરા ગામના ખેડૂત પરિવારનો પચીસ વર્ષનો સચિન યાદવ ૮૬.૨૭ મીટરનો શ્રેષ્ઠ થ્રો કરીને ચોથા ક્રમાંકે રહ્યો હતો. આ તેના કરીઅરનો શ્રેષ્ઠ વ્યક્તિગત થ્રો હતો. પાકિસ્તાનનો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન જૅવલિન થ્રોઅર અર્શદ નદીમ ૮૨.૭૫ મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ૧૦મા ક્રમે રહ્યો. છેલ્લી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર આ પ્લેયર ગઈ કાલે મેડલની રેસમાંથી બહાર થનારાઓમાં પ્રથમ હતો. ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોનો કેશોર્ન વૉલ્કોટ (૮૮.૧૬ મીટર) ગોલ્ડ મેડલ, ગ્રેનાડાનો ઍન્ડરસન પીટર્સ (૮૭.૩૮ મીટર) સિલ્વર મેડલ અને અમેરિકાનો કર્ટિસ થૉમ્પસન (૮૬.૬૭ મીટર) બૉન્ઝ મેડલ જીત્યા હતા.