કેસરિયા જર્સી વિવાદ પર હૉકી ઇન્ડિયાએ ડાયરેક્ટર આર.કે. શ્રીવાસ્તવને હટાવ્યા

14 September, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ ડીજી આર.કે. શ્રીવાસ્તવ પાસેથી તાત્કાલિક તમામ સત્તા પાછી ખેંચી 8 આરોપો અંગે નોટિસ ફટકારી છે. તેમને 4 અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે અને જર્સી બદલવાના મુદ્દાનો પણ ઉલ્લેખ છે.

ભારતીય હૉકી ટીમ

હૉકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ ડાયરેક્ટર જનરલ કમાન્ડર આર.કે. શ્રીવાસ્તવ પાસેથી તાત્કાલિક અસરથી તમામ સત્તાઓ પાછી ખેંચી લીધી છે અને શિસ્ત તથા જવાબદારીના મુદ્દે તેમને નોટિસ ફટકારી છે. આ આદેશમાં કામગીરી ચાલુ રહે એ સુનિશ્ચિત કરવા માટે જવાબદારીઓનું ઔપચારિક હસ્તાંતરણ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
હૉકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ તેના વકીલ મારફત આ નોટિસ મોકલી હતી. એમાં શ્રીવાસ્તવ સામે આઠ આરોપોનો ઉલ્લેખ છે અને તેમને નોટિસ મળ્યાના ચાર અઠવાડિયાંની અંદર જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો આમ કરવામાં નિષ્ફળતા મળે તો સક્ષમ સત્તાધિકારી દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
નોટિસમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભારતીય રાષ્ટ્રીય ટીમોની વર્લ્ડ કપમાં રમવાની જર્સીમાં કરવામાં આવેલો ફેરફાર પ્રમુખ અથવા કારોબારી સમિતિ સાથે અગાઉથી પરામર્શ કર્યા વિના અમલમાં મૂકવામાં આવ્યો હતો અને જાહેર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ માટે જર્સીનો રંગ વાદળીમાંથી કેસરિયો કરવામાં આવ્યો એ પછી રાજકીય પક્ષોએ પણ એનો વિરોધ કર્યો હતો.

hockey Indian Mens Hockey Team indian womens hockey team sports news sports