જૉકોવિચને બાવીસમા અને સિત્સિપાસને પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલની તલાશ

28 January, 2023 06:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિવારની ફાઇનલમાં બન્ને વચ્ચે જોરદાર ટક્કર

જૉકોવિચને બાવીસમા અને સિત્સિપાસને પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલની તલાશ

ટેનિસ સિંગલ્સનાં ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલા સર્બિયાના નોવાક જૉકોવિચ અને ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ વચ્ચે આવતી કાલે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલ રમાશે. જૉકોવિચ આ સ્પર્ધાની ૧૦મી ટ્રોફી અને કુલ બાવીસમા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં છે. બીજી તરફ સિત્સિપાસ પહેલી જ વાર ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. એટલું જ નહીં, તે પહેલા ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલની શોધમાં છે અને એ તેને રવિવારે એ મળી શકે. ડાબી સાથળમાં પટ્ટી પહેરીને રમતા જૉકોવિચે ગઈ કાલે સેમી ફાઇનલમાં અમેરિકાના ટૉમી પૉલને ૭-૫, ૬-૧, ૬-૨થી જે રીતે આસાનીથી હરાવ્યો એ જોતાં જૉકોવિચને ફાઇનલમાં હરાવવો મુશ્કેલ છે, કારણ કે વર્લ્ડ નંબર-ફોર સિત્સિપાસ ગઈ કાલની સેમી ફાઇનલમાં રશિયાના કરૅન ખાચાનૉફ સામે મહામહેનતે ૭-૨, ૬-૪, ૮-૬, ૬-૩થી જીત્યો હતો. જૉકોવિચે સિત્સિપાસને છેલ્લા તમામ ૯ મુકાબલામાં હરાવ્યો છે. જૉકોવિચનો તેની સામે ૧૦-૨નો જીત-હારનો રેશિયો છે.

જૉકોવિચ ૨૧માંથી સૌથી પહેલું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં જીત્યો હતો અને ત્યાર પછી પહેલી વાર તેના પેરન્ટ્સ અને ભાઈ મેલબર્ન આવ્યા છે. જોકે ગઈ કાલની સેમી ફાઇનલ તેના પિતા શ્રેડ્યાન જૉકોવિચે નહોતી જોઈ. બુધવારે રાતે જૉકોવિચ સિનિયરને એક સ્થળે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને રશિયન ધ્વજ સાથેની એક તસવીરમાં બતાવાયા હતા અને તેઓ આ તસવીરને લઈને મેલબર્નના સ્ટેડિયમમાં કોઈ વિવાદ ઊભો ન થાય એ હેતુથી પુત્રની સેમી ફાઇનલ જોવા નહોતા આવ્યા.

ગયા વર્ષે નોવાક જૉકોવિચે કોવિડ-વિરોધી વૅક્સિન ન લીધી હોવાથી તેને મેલબર્નમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને હવે તે એ જ શહેરની સૌથી મોટી ટેનિસ સ્પર્ધાની ફાઇનલ રમશે. આ ટુર્નામેન્ટમાં તેના જેટલાં ૯ ટાઇટલ બીજું કોઈ નથી જીત્યું.

વિમેન્સ સિંગલ્સ ફાઇનલમાં રબાકિના-સબાલેન્કા વચ્ચે આજે ફાઇનલ

ઑસ્ટ્રેલિયન ઓપનની વિમેન્સ સિંગલ્સમાં આજે વિશ્વમાં ૨૩મો રૅન્ક ધરાવતી કઝાખસ્તાનની એલેના રબાકિના અને પાંચમા નંબરની બેલારુસની ઍરીના સબાલેન્કા વચ્ચે મેલબર્નમાં ફાઇનલ મુકાબલો થશે. રબાકિના ૨૦૨૨ની વિમ્બલ્ડન ચૅમ્પિયન છે, પરંતુ તે અને સબાલેન્કા માટે ઑસ્ટ્રેલિયન ઓપનની આ પહેલી જ ફાઇનલ છે. સબાલેન્કા માટે તો સૌપ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનો પણ સુવર્ણ મોકો છે. સેમી ફાઇનલમાં રબાકિનાએ વિક્ટોરિયા ઍઝરેન્કાને ૭-૪, ૬-૩થી અને સબાલેન્કાએ ૩૦ વર્ષની મૅગ્ડા લિનેટને ૭-૧, ૬-૨થી હરાવી હતી.

sports news novak djokovic