જૉકોવિચ રમશે ટોક્યો ઑલિમ્પિક્સમાં

17 July, 2021 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરર, નડાલ વગેરે એક પછી એક સ્ટાર ખેલાડીઓ હટી ગયા બાદ વર્લ્ડ નંબર-વન રમવા આવી રહ્યો હોવાથી આયોજકો અને ચાહકોને થયો હાશકારોઃ ગોલ્ડન સ્લૅમ માટેની તેની આશા જીવંત

નોવાક જૉકોવિચ

સર્બિયાનો વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ ટોક્યો ઑલિમ્પિકમાં રમવા જઈ રહ્યો છે. અનેક અડચણો આવતાં શુક્રવારથી શરૂ થઈ રહેલા આ રમતોત્સવે જૉકોવિચની જાહેરાતને લીધે રાહતનો શ્વાસ લીધો હશે. રૉજર ફેડરર, રાફેલ નડાલ, સેરેના વિલિયમ્સ, ડૉમિનિક થીમ સહિત અનેક સ્ટાર ખેલાડીઓ એક પછી એક આ ગેમ્સમાંથી ખસી ગયા. જૉકોવિચે પણ રવિવારે વિમ્બલ્ડન અને એનું રેકૉર્ડ ૨૦મું ગ્રૅન્ડ સ્લૅમ જીત્યા બાદ જણાવ્યું હતું કે તેના ટોક્યો જવાની શક્યતા ૫૦ ટકા જ છે. જોકે ગુરુવારે રાતે જૉકોવિચે ટ્વિટર કરીને જાહેરાત કરી હતી કે તેણે ટોક્યો માટેની ફ્લાઇટની ટિકિટ બુક કરી લીધી છે અને તેને આ ઑલિમ્પિક્સમાં સર્બિયાનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ છે. 
જૉકોવિચને ગોલ્ડન ચાન્સ
હાલના ફૉર્મને જોતાં જૉકોવિચ જો ટોક્યોમાં પણ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો તો અને ત્યાર બાદ વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ યુએસ ઓપનમાં પણ ચૅમ્પિયન બની ગયો તો તે ઇતિહાસ રચશે. જૉકોવિચ આ વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીતી ચૂક્યો છે. આમ એક જ વર્ષમાં ચાર ગ્રૅન્ડ સ્લૅમ જીતીને ગોલ્ડન ગ્રૅન્ડ સ્લૅમ અને ઑલિમ્પિક્સ મેડલ જીતનાર જૉકોવિચ પહેલો પુરુષ ટેનિસ ખેલાડી બનશે. મહિલા ખેલાડીઓમાં આવી કમાલ ફક્ત સ્ટેફી ગ્રાફ ૧૯૮૮માં કરી શકી હતી. 
વધુ એક વિકેટ પડી
ઑસ્ટ્રેલિયાને એક મોટો ફટકો લાગ્યો છે. તેમનો ટૉપ રૅન્ક ટેનિસ ખેલાડી ઍલેક્સ ડી મિનૌરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેણે ટોક્યો ઑલિમ્પિક્સમાંથી ખસી જવું પડ્યું છે. તે સિંગલ્સ અને ડબલ્સ બન્ને ઇવેન્ટમાં ભાગ લેવાનો હતો. ઑસ્ટ્રેલિયાનો અન્ય સ્ટાર ખેલાડી નિક કીર્ગિયસ પહેલાં જ હેલ્થ અને કડક કોરોના પ્રોટોકોલને લીધે ખસી ગયો છે. મહિલાઓમાં જોકે વર્લ્ડ નંબર વન અને તાજેતરમાં વિમ્બલ્ડન ચૅમ્પિયન બનનાર ઍશ્લેઘ બાર્ટી મહિલા ટીમનું પ્રતિનિધિત્વ કરવાની છે. 

novak djokovic tennis news sports news