જૉકોવિચ ૧૦૦૦મી મૅચ જીતીને ફાઇનલમાં

16 May, 2022 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૉકોવિચ ગઈ કાલે ૨૦૨૨ની પહેલી મોટી સ્પર્ધાની ટ્રોફી જીતવાની તૈયારીમાં હતો. એ અગાઉ પાંચ વાર ઇટાલિયન ઓપન જીતી ચૂક્યો છે

નોવાક જૉકોવિચને શનિવારે રોમમાં ૧૦૦૦મા વિજય બદલ સ્પેશ્યલ કેક ભેટ આપવામાં આવી હતી

રોમની ઇટાલિયન ઓપનમાં શનિવારે પુરુષોનો વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ સેમી ફાઇનલમાં કૅસ્પર રુડને ૬-૪, ૬-૩થી હરાવીને ફાઇનલમાં પહોંચી ગયો હતો, જેમાં તેનો મુકાબલો સ્ટેફાનોસ સિત્સીપાસ સાથે થશે. સિત્સીપાસે સેમીમાં ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવને ૪-૬, ૬-૩, ૬-૩થી હરાવ્યો હતો. જૉકોવિચની ગઈ કાલે કરીઅરની ૧૦૦૦મી જીત હતી.

જૉકોવિચ ટેનિસની કરીઅરમાં ૧૦૦૦મી સિંગલ્સ મૅચ જીતનારો વિશ્વનો પાંચમો ખેલાડી છે. જિમી કોન્નર્સ (૧૨૭૪), રૉજર ફેડરર (૧૨૫૧), ઇવાન લેન્ડલ (૧૦૬૮) અને રાફેલ નડાલ (૧૦૫૧) પછી હવે જૉકોવિચ (૧૦૦૦) પણ તેમની હરોળમાં આવી ગયો છે. આ પ્રસંગે જૉકોવિચને ‘૧૦૦૦’ લખાયેલી કેક ભેટ અપાઈ હતી.

જૉકોવિચ ગઈ કાલે ૨૦૨૨ની પહેલી મોટી સ્પર્ધાની ટ્રોફી જીતવાની તૈયારીમાં હતો. એ અગાઉ પાંચ વાર ઇટાલિયન ઓપન જીતી ચૂક્યો છે.

મહિલાઓમાં વર્લ્ડ નંબર વન પોલૅન્ડની ઇગા સ્વૉનટેકે એરીના સબાલેન્કાને ૬-૨, ૬-૧થી હરાવી હતી અને હવે ગયા વર્ષે જીતેલું ટાઇટલ ડિફેન્ડ કરવા ઑન્સ જેબોર સામે રમશે.

"ભૂતકાળમાં મેં ફેડરર અને નડાલને ૧૦૦૦મી જીતની સિદ્ધિ ઊજવતા જોયા ત્યાર પછી હું પણ એ કીર્તિમાન સ્થાપવા ઉત્સુક હતો અને એ દિવસ આવી ગયો." : નોવાક જૉકોવિચ

sports sports news novak djokovic