જૉકોવિચ વિમ્બલ્ડનમાં સતત ચોથી વાર વિજેતા

11 July, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કીર્ગિયોસને હરાવ્યો, પ્રતીક તરીકે ઐતિહાસિક સેન્ટર કોર્ટ પરનું ઘાસ ખાધું અને પત્ની, અન્ય સંબંધીઓ-મિત્રોને ભેટ્યો

જૉકોવિચ વિમ્બલ્ડનમાં સતત ચોથી વાર વિજેતા

સર્બિયાના ૩૫ વર્ષના નોવાક જૉકોવિચે ગઈ કાલે સતત ચોથી વાર વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. ઓપન એરામાં લાગલગાટ પાંચ વિમ્બલ્ડન ટાઇટલ જીતવાનો રેકૉર્ડ બ્યૉન બોર્ગ અને રૉજર ફેડરરના નામે છે. જૉકોવિચનું આ ૨૧મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે અને તે રૉજર ફેડરર (૨૦ ટાઇટલ)થી એક ડગલું આગળ થઈ ગયો છે અને રાફેલ નડાલ (૨૨ ટાઇટલ)થી એક ડગલું પાછળ છે. સેન્ટર કોર્ટ પરની ફાઇનલમાં જૉકોવિચે પહેલી જ વાર ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલ રમનાર ઑસ્ટ્રેલિયાના ૨૭ વર્ષના નિક કીર્ગિયોસને ૪-૬, ૬-૩, ૬-૪, ૭-૩થી હરાવીને કુલ સાતમી વાર વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી લીધું હતું. તે સૌથી પહેલાં ૨૦૧૧માં અહીં ચૅમ્પિયન બન્યો હતો.
જૉકોવિચે જીતી લીધા પછી પ્રતીક તરીકે હંમેશની જેમ સેન્ટર કોર્ટ પરનું થોડું ઘાસ તોડીને ખાધું હતું અને પછી પૅવિલિયનમાં જઈ પત્ની યેલેના રિસ્ટિકને તેમ જ બીજા સંબંધીઓ-મિત્રોને ભેટ્યો હતો.

જૉકોવિચ હવે ફેડરરથી આગળ, નડાલથી ડગલું પાછળ

(૧) જૉકોવિચ સતત ચોથી વાર (૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૧, ૨૦૨૨) વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઇટલ જીત્યો હતો. ૨૦૨૦માં કોવિડની મહામારીને કારણે વિમ્બલ્ડનની સ્પર્ધા નહોતી રમાઈ.
(૨) જૉકોવિચ સાત વાર વિમ્બલ્ડનનું સિંગલ્સનું ટાઇટલ જીત્યો હોવાથી તે હવે સૌથી વધુ ૮ ટાઇટલ જીતનાર રૉજર ફેડરરથી ફક્ત એક ડગલું પાછળ છે.
(૩) વિમ્બલ્ડનમાં વિક્રમજનક ૨૭મી મૅચ જીતવાની ઇચ્છા પૂરી કરી હતી.
(૪) સતત ૩૨મી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમીને જૉકોવિચે ૩૧ ફાઇનલ રમનાર ફેડરરને પાછળ રાખી દીધો હતો. જૉકોવિચ હવે ૨૧ ટાઇટલ સાથે ફેડરર (૨૦)થી આગળ અને નડાલ (૨૨)થી ડગલું પાછળ છે.
(૫) વિમ્બલ્ડનની સેન્ટર કોર્ટને ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે અને આ શતાબ્દી વર્ષમાં ચૅમ્પિયન બનીને જૉકોવિચ અનોખી રેકૉર્ડ-બુકમાં આવી ગયો છે.

sports news tennis news novak djokovic