✕

આ અફઘાની સાઇક્લિસ્ટ ખરેખર જિગરવાલી છે

27 September, 2026 04:34 PM IST  |  Kabul | Ruchita Shah

કટ્ટરપંથી તાલિબાનના રાજમાં જ્યાં છોકરીઓને સપનાં જોવાની પણ પરવાનગી નહોતી એ અફઘાનનિસ્તાનમાં ૨૩ વર્ષની ફરીબા હાશિમીએ સપનું સાકાર કરી બતાવ્યું. ૨૦૨૧માં પોતાનો દેશ અને પરિવારજનોને છોડનારી આ ઍથ્લીટે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને મિસાલ કાયમ કરી

ફરીબા હાશિમી

‘જે દેશમાં દીકરીઓ માટે ઘરની બહાર એકલા નીકળવું પણ ગુનો ગણાતો હોય ત્યાં સ્પોર્ટ્સ-ડ્રેસ પહેરીને સાઇકલ ચલાવવી એટલે સીધું મોતને નિમંત્રણ આપવા જેવું હતું. ટ્રેઇનિંગ દરમ્યાન લોકો અમારા પર પથ્થરો અને કાચની તૂટેલી બૉટલો ફેંકતા. એક વાર તો ગુસ્સે ભરાયેલા એક રિક્ષા-ડ્રાઇવરે મારી બહેનને જાનથી મારી નાખવાના ઇરાદાથી ટક્કર મારી હતી, જેમાં તેનો હાથ ભાંગી ગયો હતો. છતાં અમે હિંમત ન હાર્યા. સમાજના ડરથી અમારે પુરુષોનાં કપડાં પહેરીને, ચહેરા પર બે-ત્રણ માસ્ક, ચશ્માં અને સ્કાર્ફ બાંધીને રાતના અંધારામાં ગામના રસ્તાઓ પર ટ્રેઇનિંગ કરવા નીકળવું પડતું હતું.’
આ શબ્દો છે અફઘાનિસ્તાનની સાહસિક સાઇક્લિસ્ટ ફરીબા હાશિમીના જેણે તાજેતરમાં જપાનમાં યોજાયેલી વીસમી એશિયન ગેમ્સમાં વિમેન્સ રોડ રેસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. ૨૦૦૨ની બુસાન એશિયન ગેમ્સ પછી એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી ફરીબા અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ઍથ્લીટ બની છે. તાલિબાનના બંદૂકના છાયામાંથી ભાગીને ઇટલીમાં આશ્રય લેવાથી લઈને એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા સુધીની ફરીબા હાશિમીની આંતરરાષ્ટ્રીય યાત્રા અંજાવી દેનારી છે.

છૂપી શરૂઆત

૨૦૦૩ની બાવીસ એપ્રિલે અફઘાનિસ્તાનના ફાર્યાબ પ્રાંતના માયમાના નામના નાનકડા શહેરમાં જન્મેલી ફરીબાએ બાળપણથી જ દેશમાં યુદ્ધ, હિંસા અને અસ્થિરતાનો માહોલ જોયો છે. સ્ત્રીઓને બંધનમાં રહેવા માટે મજબૂર કરતા માહોલમાં સાઇકલે આઝાદીનો અનુભવ કરાવ્યો. જોકે તેના જીવનમાં સાઇક્લિંગ આવ્યું કઈ રીતે એના જવાબમાં તે એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘અમે એક જગ્યાએ લોકલ લેવલ પર થતી સાઇક્લિંગ રેસની જાહેરાત જોઈ. એ વખતે અમારી પાસે પોતાની સાઇકલ નહોતી કે અમને સાઇકલ ચલાવતાં પણ આવડતું નહોતું. પાડોશી પાસેથી એક બપોરે સાઇકલ માગી અને થોડા જ કલાકોમાં પોતાની જાતે સાઇકલ ચલાવતાં શીખી લીધું. ૨૦૧૭ની સ્થાનિક રેસમાં મેં મારી મોટી બહેન સાથે ભાગ લીધો. એમાં હું પ્રથમ ક્રમે અને મારી બહેન યૂલદૂઝ બીજા ક્રમે આવી. એ ક્ષણે મને એવું લાગ્યું કે જાણે હું ઊડી શકતું કોઈ પક્ષી છું.’
આ નાનકડી જીતે ફરીબાના મનમાં સાઇક્લિંગ પ્રત્યેનાં ઉત્સાહ અને ઝનૂન અનેકગણાં વધારી દીધાં. જોકે ફાર્યાબ જેવા કટ્ટરપંથી વિસ્તારમાં એક સગીર છોકરી જાહેર રસ્તા પર સાઇકલ ચલાવે એ સ્થાનિક પુરુષો અને વડીલો માટે અસ્વીકાર્ય હતું. એ દિવસોના પોતાના ભયાનક અનુભવો યાદ કરતાં ફરીબા કહે છે, ‘અમે જ્યારે સાઇકલ લઈને ટ્રેઇનિંગ માટે રોડ પર નીકળતા ત્યારે પુરુષો અમને ગંદી ગાળો આપતા, ધમકીઓ આપતા અને અમારા પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરતા. લોકો મારી માતા પાસે જઈને કહેતા કે તમારી દીકરીઓને ઘરમાં પૂરી રાખો, નહીંતર તેઓ આખા ગામનું નામ ખરાબ કરશે. જોકે અમે નક્કી કર્યું હતું કે ભલે ગમે એટલા પથ્થરો વાગે, અમે સાઇકલનાં પૅડલ મારવાનું બંધ નહીં કરીએ.’
બન્ને બહેનોએ પ્રોફેશનલ સાઇક્લિસ્ટ બની ત્યાં સુધી ખોટા નામ સાથે રેસમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. છેલ્લે ૨૦૨૧માં પોતાની કરીઅર ચાલુ રાખવા માટે તેમણે અફઘાનિસ્તાન છોડીને ઇટલી જવું પડ્યું.

જીવના જોખમે દેશનિકાલ

૨૦૨૧ના ઑગસ્ટમાં અફઘાનિસ્તાનના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો. અફઘાન સરકારનું પતન થયું અને તાલિબાને સમગ્ર દેશ પર પોતાનો કબજો જમાવી લીધો. તાલિબાનના આગમન સાથે જ મહિલાઓના શિક્ષણ, નોકરી, રમતો અને જાહેર જીવનમાં એકલા નીકળવા પર સંપૂર્ણપણે કડક પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જે છોકરીઓ સાઇકલ ચલાવતી હતી તેઓ તાલિબાનના હિટ લિસ્ટમાં સૌથી ઉપર હતી. સાઇક્લિંગનું પૅશન ચાલુ રાખવું એટલે સીધું પોતાના અને પરિવારના મૃત્યુના ફરમાન પર સહી કરવા જેવું હતું. ફરીબા અને તેની બહેને પોતાની સાઇકલ, સ્પોર્ટ્સ-કિટ અને મેડલો જમીનમાં દાટી દેવા પડ્યાં જેથી તાલિબાનીઓને કોઈ પુરાવો ન મળે.
આ અત્યંત ડરાવનારી સ્થિતિમાં તેમના માટે આશાનું કિરણ પ્રગટ્યું. ભૂતપૂર્વ ઇટાલિયન સાઇક્લિંગ વર્લ્ડ ચૅમ્પિયન અને સામાજિક કાર્યકર એલેસાન્ડ્રા કેપલોટોએ અફઘાન મહિલા સાઇક્લિસ્ટોની મદદ માટે હાથ લંબાવ્યો. ઇન્ટરનૅશનલ સાઇક્લિંગ યુનિયન અને ઇટાલિયન સરકારના સહયોગથી એક ખાસ રેસ્ક્યુ ઑપરેશન ચલાવવામાં આવ્યું. ફરીબા અને તેની બહેન યૂલદૂઝે પોતાનાં માતા-પિતા અને ઘરબાર છોડીને કાબુલ ઍરપોર્ટ તરફ ભાગવું પડ્યું. કાબુલ ઍરપોર્ટ પર હજારો લોકોની ભીડ અને તાલિબાનના ગોળીબાર વચ્ચે જીવ બચાવીને તેઓ ઇવૅક્યુએશન ફ્લાઇટમાં બેસીને ઇટલી પહોંચ્યાં. ઇટલીમાં આશ્રય મેળવ્યા બાદ તેમણે શરણાર્થી તરીકે નવું જીવન શરૂ કર્યું અને ઇટાલિયન ક્લબ્સમાં પ્રોફેશનલ સાઇક્લિંગની કઠિન ટ્રેઇનિંગ લેવાનું ચાલુ રાખ્યું. ફરીબા કહે છે, ‘કાબુલ ઍરપોર્ટ પર હજારોની ભીડ હતી અને ચારેય તરફ ગોળીબાર થઈ રહ્યો હતો ત્યારે મને લાગતું હતું કે અમે ક્યારેય જીવતા બહાર નહીં નીકળી શકીએ. અમારે અમારાં માતા-પિતાને પાછળ છોડીને નીકળવું પડ્યું હતું, જે મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ હતો. જોકે જ્યારે અમે ઇટલી પહોંચ્યાં ત્યારે અમારી પાસે માત્ર પહેરેલાં કપડાં હતાં, પણ અમારી પાસે એક આશા હતી. અમે શૂન્યમાંથી શરૂઆત કરી અને બતાવી દીધું કે જો અફઘાન છોકરીઓને તક મળે તો તેઓ વિશ્વના સૌથી મોટા મંચ પર મેડલ જીતી શકે છે.’

ઐતિહાસિક સિલ્વર મેડલ

ફરીબા હાશિમીના જીવનની સૌથી મોટી, અદ્ભુત અને લેટેસ્ટ સિદ્ધિ ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં નોંધાઈ છે. આ જીત એટલા માટે ઐતિહાસિક છે કારણ કે આ રેસ પાછળનો સંઘર્ષ પણ ઓછો નાટકીય નહોતો. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલા ઍથ્લીટ્સને કોઈ માન્યતા કે ફન્ડિંગ આપ્યું નહોતું, પરંતુ આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટી (IOC)ની મદદથી ધી અફઘાનિસ્તાન નૅશનલ ઑલિમ્પિક્સ કમિટી ઇન એક્ઝાઇલ હેઠળ તેણે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યાં અન્ય ધનિક દેશોના સાઇક્લિસ્ટો સાથે મોટો સપોર્ટ સ્ટાફ, ફિઝિયો અને મેકૅનિક્સની આખી ટીમ હતી ત્યાં ફરીબા પાસે કોઈ વ્યવસ્થા નહોતી. રેસ દરમ્યાન તેની સાઇકલની ચેઇનમાં ખામી સર્જાતાં તેણે જાતે જ હાથ કાળા કરીને સાઇકલ રિપેર કરી હતી અને ફરી રેસમાં ઝડપ પકડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

સપનાંઓ પર વિજય

એશિયન ગેમ્સ 2026 પહેલાં પણ ફરીબાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી હતી. ૨૦૨૨માં સ્વિટ્ઝરલૅન્ડમાં ઇન્ટરનેશનલ સાઇક્લિંગ યુનિયન (UCI) દ્વારા યોજાયેલી ‘અફઘાનિસ્તાન નૅશનલ રોડ ચૅમ્પિયનશિપ’માં ફરીબાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ તેણે પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં પણ ભાગ લીધો હતો. ૨૦૨૫માં ફ્રાન્સમાં અફઘાનિસ્તાનના દેશનિકાલમાં રહેતા ઍથ્લીટ્સ માટે યોજાયેલી ચૅમ્પિયનશિપમાં તેણે રોડ-રેસ અને ઇન્ડિવિજ્યુઅલ ટાઇમ ટ્રાયલ બન્નેમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઇટલીમાં આશ્રય મેળવ્યા બાદ તે વર્લ્ડ-ટૂર પ્રોફેશનલ સાઇક્લિંગ ટીમો તરફથી યુરોપિયન સર્કિટ પર રેસિંગ કરે છે.
રેસ પૂરી થયા પછી એક ઇન્ટરવ્યુ દરમ્યાન ભારે હૃદયે ભાવુક થઈને ફરીબા હાશિમી કહે છે, ‘હું એવા દેશમાં જન્મી હતી જ્યાં સપનાં જોતી અને ભણવા માગતી મહિલાઓ પર બૉમ્બ અને બંદૂકોથી હુમલા થાય છે. અફઘાનિસ્તાનમાં આજે પણ કરોડો દીકરીઓ પોતાના જ ઘરમાં કેદ છે. જોકે મને ગર્વ છે કે મેં અન્યાય સામે ઝૂકવાને બદલે લડવાનો રસ્તો પસંદ કર્યો. આ સિલ્વર મેડલ માત્ર મારો નથી; અફઘાનિસ્તાનની એ દરેક પીડિત મહિલાની હિંમત, સહિષ્ણુતા અને આશાનું પ્રતીક છે જે આજે પણ પોતાના મૂળભૂત અધિકારો માટે લડી રહી છે. હું અફઘાનિસ્તાનની મારી બહેનોને કહેવા માગું છું કે ક્યારેય હાર ન માનતી અને તમારાં સપનાંઓને મરવા ન દેતી. આજે તાલિબાન તમને ઘરમાં પૂરી શકે છે, પણ તેઓ તમારા મનની ઉડાન અને આકાંક્ષાઓને ક્યારેય કેદ કરી શકશે નહીં. હું જ્યારે પણ રેસ જીતીને અફઘાનિસ્તાનનો તિરંગો ધ્વજ લહેરાવું છું ત્યારે તાલિબાનને બતાવી દઉં છું કે સાચું અફઘાનિસ્તાન અમે છીએ, તેઓ નથી. અમારો દેશ મહિલાઓની શક્તિથી ઓળખાય છે.’
નાની ઉંમરે આટલો ભયાનક સંઘર્ષ કરનારી અને અશક્યને શક્ય કરી બતાવનારી ૨૩ વર્ષની ફરીબાનું હવે પછીનું મુખ્ય લક્ષ્ય ૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વ સમક્ષ પોતાના દેશની મહિલાઓની તાકાતનો પરચો બતાવવાનું છે.

આ અફઘાની મહિલાઓ પણ સ્પોર્ટ્‍સમાં ડંકો વગાડી ચૂકી છે

અફઘાનિસ્તાનમાં ઑગસ્ટ ૨૦૨૧માં તાલિબાનના પુનરાગમન બાદ મહિલાઓના રમતગમત, શિક્ષણ અને જાહેર જીવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જોકે દેશ છોડીને વિદેશમાં આશ્રય લેનારી મહિલા ઍથ્લીટ્સે હાર ન માની. વિદેશની ભૂમિ પર રહીને પોતાની રમત ચાલુ રાખનારી અફઘાન મહિલા ઍથ્લીટ્સને જાણીએ.

૧. યૂલદૂઝ હાશિમી

પૅરિસ ઑલિમ્પિક્સ 2024 અને એશિયન ગેમ્સ 2026માં ભાગ લેનારી અને ફરીબા હાશિમીની મોટી બહેન યૂલદૂઝે પોતાના વતનમાં પુરુષોનાં કપડાં પહેરીને છૂપી રીતે સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૧માં તાલિબાન આવ્યા બાદ ભૂતપૂર્વ ઇટાલિયન વર્લ્ડ ચૅમ્પિયન એલેસાન્ડ્રા કેપલોટો અને ઇન્ટરનૅશનલ સાઇક્લિંગ યુનિયનના ખાસ રેસ્ક્યુ ઑપરેશન દ્વારા બન્ને બહેનોને કાબુલ ઍરપોર્ટથી સલામત રીતે ઇટલી પહોંચાડવામાં આવી હતી. ઇટલીની પ્રોફેશનલ સાઇક્લિંગ ક્લબમાં કઠિન ટ્રેઇનિંગ લઈને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.

૨. કિમિયા યુસુફી

૩ ઑલિમ્પિક્સ (રિયો 2016, ટોક્યો 2020, પૅરિસ 2024)માં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરનારી અને ધ્વજવાહક તરીકે ભાગ લેનારી ૧૦૦ મીટર રેસની આ દોડવીર તાલિબાનના કબજા બાદ પોતાના પરિવાર સાથે ઑસ્ટ્રેલિયામાં શરણાર્થી તરીકે સ્થાયી થઈ. ઑસ્ટ્રેલિયા ઑલિમ્પિક્સ કમિટીએ કિમિયા યુસુફીને તાલીમ અને રહેવાની સગવડ પૂરી પાડી. પૅરિસ ઑલિમ્પિક્સ 2024 દરમ્યાન તેણે પોતાની રેસ પૂરી કર્યા બાદ તેની પીઠ પર લખેલા Education, Sports અને Our Rights જેવા શબ્દો દર્શાવીને અફઘાન મહિલાઓ પર થતા અત્યાચાર સામે વિશ્વનું ધ્યાન 
ખેંચ્યું હતું.

૩. મનિઝા તલાશ

પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં રેફ્યુજી ઑલિમ્પિક ટીમ તરફથી ભાગ લેનારી અને કાબુલની એક અન્ડરગ્રાઉન્ડ ક્લબમાં બ્રેકડાન્સ શીખનારી ૧૮ વર્ષની મનિઝાને તાલિબાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પહેલાં પાકિસ્તાન ભાગી ગઈ અને બાદમાં સ્પેનમાં આશ્રય મેળવ્યો. ૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રેકડાન્સિંગ સ્પર્ધા દરમ્યાન તેણે Free Afghan Women લખેલી બ્લુ કૅપ પહેરીને પ્રદર્શન કર્યું હતું, જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું હતું.

૪. મરઝિયા હમીદી

નૅશનલ તાએ ક્વાન ડો ચૅમ્પિયન અને સામાજિક કાર્યકર તરીકે સક્રિય અફઘાનિસ્તાનની નૅશનલ તાએ ક્વાન ડો ટીમની સભ્ય રહી ચૂકેલી મરઝિયાએ ૨૦૨૧માં દેશ છોડીને ફ્રાન્સમાં શરણ લીધું. ફ્રેન્ચ તાએ ક્વાન ડો ફેડરેશનના નેજા હેઠળ તાલીમ મેળવીને તે યુરોપિયન અને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ્સમાં ભાગ લે છે. તે સોશ્યલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મંચો પર તાલિબાનના મહિલાવિરોધી નિયમો સામે અવાજ ઉઠાવવા માટે જાણીતી છે.

૫. નેગારા શાહીન

ટોક્યો ઑલિમ્પિક્સ 2020 અને પૅરિસ ઑલિમ્પિક્સ 2024માં રેફ્યુજી ટીમ તરફથી ભાગીદારી કરનારી નેગારા બાળપણથી જ શરણાર્થી તરીકે પાકિસ્તાનમાં ઊછરી હતી અને ત્યાં જુડો શીખી હતી. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સ્થિતિ વધુ વણસતાં તે કૅનેડા શિફ્ટ થઈ ગઈ. ઇન્ટરનૅશનલ જુડો ફેડરેશનની મદદથી તેણે પોતાની રમત ચાલુ રાખી અને હાલમાં ઇન્ટરનૅશનલ જુડો સર્કિટમાં સક્રિય છે.

૬. અફઘાનિસ્તાન નૅશનલ વિમેન્સ ક્રિકેટ ટીમ

૨૦૨૧માં તાલિબાને મહિલા ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતાં જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) સાથે કરારબદ્ધ લગભગ પચીસથી વધુ મહિલા ક્રિકેટરો ઑસ્ટ્રેલિયા સરકારની મદદથી મેલબર્ન અને કૅનબેરા ખાતે સ્થાયી થઈ. આ ખેલાડીઓ ઑસ્ટ્રેલિયાની સ્થાનિક ક્રિકેટ ક્લબ્સ (જેમ કે ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સપોર્ટેડ ક્લબ્સ) તરફથી મૅચો રમે છે. તાજેતરમાં આ ટીમે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને એક ઔપચારિક પત્ર લખીને અફઘાનિસ્તાન બહાર Afghan Women’s Team in Exile તરીકે આંતરરાષ્ટ્રીય મૅચો રમવાની મંજૂરી માગી છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન નૅશનલ ઑલિમ્પિક્સ કમિટી ઇન એક્ઝાઇલ અને ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)ના સહયોગથી આ તમામ મહિલાઓ તાલિબાનના કાળા ધ્વજને બદલે કાળો, લાલ અને લીલો રંગ ધરાવતા અફઘાનિસ્તાનના જૂના ત્રિરંગા ધ્વજ અથવા ઑલિમ્પિક રેફ્યુજી ટીમના ઝંડા હેઠળ મેદાનમાં ઊતરીને અફઘાન મહિલાઓનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

 

afghanistan asian games athletics sports news sports