લીઅનલ મેસી મેન્સ કે વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપમાં ૧૮ ગોલ કરનાર પહેલો પ્લેયર બન્યો

24 June, 2026 11:31 AM IST  |  Dallas | Gujarati Mid-day Correspondent

૩૯મી વર્ષગાંઠના એક દિવસ પહેલાં જ મેસીએ રચ્યો ઇતિહાસ

લીઅનલ મેસી

ડૅલસમાં સોમવારે મોડી રાતે ઑસ્ટ્રિયા સામે શરૂ થયેલી ફુટબૉલ વર્લ્ડ કપ મૅચમાં ૨-૦થી ડિફેન્ડિંગ ચૅમ્પિયન આર્જેન્ટિનાએ જીત નોંધાવી હતી. ૧૯ વખત વર્લ્ડ કપ રમનાર આર્જેન્ટિના ૧૩મી વખત અને સતત છઠ્ઠી વખત નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું છે. ઑસ્ટ્રિયા એક જીત અને એક હાર સાથે ગ્રુપ Jમાં આર્જેન્ટિના બાદ બીજા ક્રમે છે.

આજે ૩૯ વર્ષનો થયેલો લીઅનલ મેસી મૅચની ૩૮મી મિનિટે ગોલ કરીને ૧૭ ગોલ સાથે મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપનો હાઇએસ્ટ ગોલ-સ્કોરર બન્યો હતો. જર્મનીના મિરોસ્લાવ ક્લોઝના ૧૬ ગોલના રેકૉર્ડથી પણ તે આગળ વધી ગયો હતો. ક્લોઝ છેલ્લે ૨૦૧૪માં વર્લ્ડ કપમાં રમ્યો હતો.

મૅચના સ્ટૉપેજ ટાઇમમાં ૯૫મી મિનિટે પોતાનો ૧૮મો ગોલ કરીને મેસીએ વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપની હાઇએસ્ટ ગોલ-સ્કોરર બ્રાઝિલની માર્ટા વિએરા દા સિલ્વાના ૧૭ ગોલનો રેકૉર્ડ પણ તોડ્યો હતો. ૧૮ વર્ષની ઉંમરે પોતાનો પહેલો વર્લ્ડ કપ ગોલ કરનાર લીઅનલ મેસી ટુર્નામેન્ટમાં આર્જેન્ટિનાનો સૌથી નાનો અને સૌથી મોટી ઉંમરનો ગોલ કરનાર ખેલાડી પણ બન્યો છે.

2489
ફુટબૉલ વર્લ્ડ કપમાં સૌથી વધુ આટલી મિનિટ સુધી રમવાનો રેકૉર્ડ હવે આર્જેન્ટિનાના લીઅનલ મેસીના નામે થયો.

28
સૌથી વધુ આટલી મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ મૅચ રમવાનો રેકૉર્ડ કર્યો લીઅનલ મેસીએ. 

18
સૌથી વધુ આટલી મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ મૅચ જીતવાનો રેકૉર્ડ કર્યો લીઅનલ મેસીએ.

લીઅનલ મેસીએ સૌથી વધુ પેનલ્ટી કિક મિસ કરવાનો પણ રેકૉર્ડ કર્યો

લીઅનલ મેસી ફુટબૉલ વર્લ્ડ કપમાં સાતમાંથી ત્રણ વખત પેનલ્ટી કિક દરમ્યાન ગોલ કરી શક્યો નથી. તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ પેનલ્ટી કિક મિસ કરવાનો અનિચ્છનીય રેકૉર્ડ પણ કર્યો છે. તે વર્લ્ડ કપમાં સતત ત્રણ પેનલ્ટી મિસ કરનાર પ્લેયર પણ બન્યો છે. અગાઉ તેણે ૨૦૧૮માં આયરલૅન્ડ અને ૨૦૨૨માં પોલૅન્ડ સામે પેનલ્ટી કિક મિસ કરી હતી. 

નવોદિત જૉર્ડન ફુટબૉલ વર્લ્ડ કપ 2026માંથી બહાર થયું

નવોદિત જૉર્ડન ગ્રુપ Jની મૅચમાં અલ્જીરિયા સામે ૧-૨થી હાર્યા બાદ ફુટબૉલ વર્લ્ડ કપ 2026માંથી બહાર થઈ ગયું છે. જૉર્ડનને અગાઉ ટુર્નામેન્ટની શરૂઆતની મૅચમાં ઑસ્ટ્રિયા સામે ૧-૩થી હારનો સામનો કરવો પડ્યો હતો. બે મૅચ પછી તેઓ એક પણ પૉઇન્ટ વગર રહ્યા છે અને એની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ આર્જેન્ટિના સામે છે. અલ્જીરિયા એક જીત અને એક હાર સાથે આ ગ્રુપમાં ત્રીજા ક્રમે છે.

પહેલી વખત એક વર્લ્ડ કપ સીઝનમાં બે મૅચ જીત્યું નૉર્વે

ગઈ કાલે સેનેગલ સામે ૩-૨થી મૅચ જીતીને નૉર્વે રાઉન્ડ ઑફ 32 માટે ક્વૉલિફાય થયું હતું. નૉર્વેના અર્લિંગ હાલૅન્ડે બે ગોલ કર્યા હતા. ૧૯૩૮, ૧૯૯૪, ૧૯૯૮ બાદ ચોથી વખત વર્લ્ડ કપમાં ભાગ લેનાર નૉર્વે પહેલી વખત એક વર્લ્ડ કપ સીઝનમાં બે મૅચ જીતી શક્યું છે.

fifa world cup lionel messi football sports sports news