25 October, 2024 09:33 AM IST | India | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ભારત અને જર્મનીની મેન્સ હૉકી મૅચ બાદ રાની રામપાલને સન્માનિત કરવામાં આવી હતી.
ભારતીય વિમેન્સ હૉકી ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન રાની રામપાલે ગઈ કાલે ૧૬ વર્ષની કરીઅર સમાપ્ત કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. ૨૯ વર્ષની રાનીએ ૨૦૦૮માં ઑલિમ્પિક ક્વૉલિફાયરમાં ૧૪ વર્ષની સૌથી નાની ઉંમરે ભારત માટે ઇન્ટરનૅશનલ હૉકીમાં ડેબ્યુ કર્યું હતું.
તેણે ભારત માટે ૨૫૪ મૅચમાં ૨૦૫ ગોલ કર્યા છે. ૨૦૨૦માં તેને ખેલ રત્ન અને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. રાનીને તાજેતરમાં સબ-જુનિયર મહિલા ટીમના રાષ્ટ્રીય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તે ૨૦૧૩માં જુનિયર હૉકી વર્લ્ડ કપમાં બ્રૉન્ઝ, ૨૦૧૪ અને ૨૦૧૮માં અનુક્રમે બ્રૉન્ઝ અને સિલ્વર મેડલ જીતનાર ભારતીય વિમેન્સ હૉકી ટીમનો ભાગ રહી હતી.
હરિયાણાની રાનીના નેતૃત્વમાં ભારતે ટોક્યો ગેમ્સ દરમ્યાન ચોથું સ્થાન મેળવીને ઑલિમ્પિક્સ ઇતિહાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘આ એક શાનદાર સફર રહી છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ભારત માટે આટલો લાંબો સમય રમીશ. મેં બાળપણથી ઘણી ગરીબી જોઈ છે; પરંતુ મારું ધ્યાન હંમેશાં કંઈક કરવા પર, દેશનું પ્રતિનિધિત્વ કરવા પર હતું.’
જ્યારે એક સ્ટ્રીટ વેન્ડરની દીકરી રાનીએ હૉકી-સ્ટિક ઉપાડી ત્યારે સમાજે ખૂબ વિરોધ કર્યો હતો, પરંતુ પરિવારે તેને દરેક પગલે સાથ આપ્યો અને આજે રાની એ જ સમાજ માટે ઉદાહરણ બની છે.