મોરોક્કો સામેની સરળ જીત સાથે ફ્રાન્સ સતત ત્રીજી વખત વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં પહોંચ્યું

11 July, 2026 09:54 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓમાં એમ્બાપ્પે ૨૦ ગોલ સાથે ૨૧ ગોલ કરનાર લીઅનલ મેસીની લગોલગ પહોંચી ગયો

મોરોક્કોની હારથી નોરા ફતેહી સ્ટેડિયમમાં જ રડી પડી

બૉસ્ટન સ્ટેડિયમમાં ગઈ કાલે મોરોક્કો સામેની ફુટબૉલ વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ફ્રાન્સે ૨-૦થી જીત નોંધાવી હતી. કૅપ્ટન કિલિયન એમ્બાપ્પેએ ૬૦મી અને ઉસ્માન ડેમ્બેલેએ ૬૬મી મિનિટે ગોલ કર્યો હતો. બે વખતની ચૅમ્પિયન ટીમ ફ્રાન્સ સતત ત્રીજી અને ઓવરઑલ આઠમી વખત સેમી-ફાઇનલ રમશે. ૧૭મો વર્લ્ડ કપ રમી રહેલું ફ્રાન્સ ૧૯૯૮ અને ૨૦૧૮માં ટાઇટલ જીત્યું છે. ૨૦૦૬ અને ૨૦૨૨માં આ ટીમ રનર-અપ રહી હતી. સાતમી વખત વર્લ્ડ કપ રમનાર મોરોક્કો ૨૦૨૨માં પહેલી વખત સેમી-ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું હતું. કિલિયન એમ્બાપ્પે બે અલગ-અલગ વર્લ્ડ કપમાં ૮-૮ ગોલ કરનાર પહેલો ખેલાડી બન્યો છે. તેણે ૨૦૨૨ના વર્લ્ડ કપમાં પણ ૮ ગોલ કર્યા હતા. બે વર્લ્ડ કપમાં તેણે ૧૦ ગોલમાં યોગદાન આપવાનો પણ રેકૉર્ડ કર્યો છે. ૨૦૨૨માં તેણે બે ગોલ અને આ વર્લ્ડ કપમાં ત્રણ ગોલ અસિસ્ટ કર્યા છે. ૨૭ વર્ષ ૨૦૧ દિવસની ઉંમરે કિલિયન એમ્બાપ્પે વર્લ્ડ કપમાં ૨૦ ગોલ કરનાર સૌથી યંગ પ્લેયર બની ગયો છે. આ વર્લ્ડ કપમાં ૮ ગોલ કરીને સૌથી વધુ ૨૧ વર્લ્ડ કપ ગોલ કરનાર આર્જેન્ટિનાના લીઅનલ મેસીનો સૌથી વધુ ગોલનો રેકૉર્ડ હવે ખતરામાં છે. 

આર્જેન્ટિનાના રેફરી હોય ત્યારે સૌથી વધુ વર્લ્ડ કપ મૅચ જીત્યું છે ફ્રાન્સ

ફ્રાન્સ અને મોરોક્કોની મૅચમાં તમામ પાંચ ઑનફીલ્ડ રેફરી આર્જેન્ટિનાના હતા. વર્લ્ડ કપમાં ફ્રાન્સનું કટ્ટર હરીફ આર્જેન્ટિના છે. જોકે મેદાન પર આર્જેન્ટિનાનો એક પણ રેફરી હાજર હોય ત્યારે ફ્રાન્સે સૌથી વધુ ૬ વર્લ્ડ કપ મૅચો જીતી છે. અન્ય કોઈ ટીમ આટલી મૅચો જીતી શક્યું નથી. 

મોરોક્કોની વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ૧૯ ખેલાડીઓ વિદેશી

મોરોક્કોની વર્તમાન વર્લ્ડ કપ સ્ક્વૉડમાં એવા ૬ ખેલાડીઓ સામેલ હતા જેમનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. મોરોક્કોની ટીમમાં સ્પેનના ૬ ખેલાડીઓ, નેધરલૅન્ડ્સના ત્રણ ખેલાડીઓ, બેલ્જિયમના ત્રણ ખેલાડી અને કૅનેડામાં જન્મેલો એક ખેલાડી પણ રમી રહ્યો હતો. આ વર્લ્ડ કપ સ્ક્વૉડના ૨૬ સભ્યોમાંથી ૧૯ ખેલાડીઓ બહારના છે અને માત્ર ૭ સભ્યો એવા હતા જેમનો જન્મ મોરોક્કોમાં થયો હતો. 

france morocco fifa world cup sports news sports football