ફ્રેન્ચ લીગની ચૅમ્પિયન ટીમ સીઝનમાં ચોથી વાર હારી

18 October, 2021 04:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રોમમાં શનિવારે સેરી-એ ટુર્નામેન્ટમાં ઇન્ટર મિલાન ટીમનો લેઝિયો સામે ૧-૩થી પરાજય થયો હતો

સાઉથ કોરિયાના યેઓન્યુ શહેરમાં ગઈ કાલે એશિયાની ટોચની સોકર ક્લબ વચ્ચેની એએફસી ચૅમ્પિયન્સ લીગની ક્વૉર્ટર ફાઇનલમાં નાગોયા ગ્રેમ્પસ ટીમના કિમ (ડાબે) અને એફસી પૉહાન્ગ સ્ટીલર્સના લી હો-જેઇ વચ્ચે અેક ક્ષણે બરાબરની રસાકસી જામી હતી. પોહાન્ગની ટીમનો ૩-૦થી વિજય થયો હતો અને એશિયન ચૅમ્પિયન બનવાની રેસમાં ટકી રહી હતી. (તસવીર : એ.એફ.પી.)

ફ્રાન્સમાં ફુટબૉલની ફ્રેન્ચ લીગ સ્પર્ધા ચાલી રહી છે જેમાં શનિવારે ગયા વખતની ચૅમ્પિયન લીલ નામની ટીમનો સીઝનમાં ચોથી વાર પરાજય થયો હતો. લીલને આ સ્પર્ધામાં પ્રમોટ કરાયેલી ક્લેર્મન્ટ નામની ટીમે ૧-૦થી હરાવી હતી. આ હારને પગલે લીલ હવે પૉઇન્ટ્સ ટેબલમાં નવમા નંબરે પહોંચી ગઈ છે.

લા લીગામાં મૅલોર્કાની હાર

સ્પેનના બાર્સેલોનામાં ગઈ કાલે લા લીગા તરીકે જાણીતી સ્પૅનિશ લીગ ટુર્નામેન્ટમાં રિયલ સૉસીડેડ ટીમે મૅલોર્કાની ટીમને ૧-૦થી પરાજિત કરી હતી. રિયલ સૉસીડેડે ૨૧ વર્ષના રિઝર્વ (સબસ્ટિટ્યુટ) ખેલાડીના ગોલની મદદથી આ રસાકસીભરી અને રોમાંચક મૅચ જીતી લીધી હતી. યુલેન લૉબેટ નામના આ ખેલાડીએ ૬૬મી મિનિટે મેદાનમાં આવ્યા પછી ૯૦મી મિનિટે ગોલ્ડન ગોલ કર્યો હતો. એ સાથે, રિયલ સૉસીડેડ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે થઈ ગઈ છે.

ઇન્ટર મિલાન પહેલી વાર પરાજિત

રોમમાં શનિવારે સેરી-એ ટુર્નામેન્ટમાં ઇન્ટર મિલાન ટીમનો લેઝિયો સામે ૧-૩થી પરાજય થયો હતો. ઇન્ટર મિલાનની આ સીઝનની આ પહેલી હાર છે. જોકે, લેઝિયોના ફેલિપ ઍન્ડરસનનો વિજયી ગોલ વિવાદાસ્પદ હતો. દરમ્યાન, અન્ય મૅચોમાં મિલાને વેરોના સામે ૩-૨થી અને સ્પેઝિયાએ સૅલર્નિટનાને ૨-૧થી પરાજિત કર્યું હતું.

sports sports news football