જૉકોવિચની 19મી અને ત્સીત્સીપાસની પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી માટે આજે જંગ જોરદાર

13 June, 2021 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ચ ઓપનની મેન્સ સિંગલ્સમાં આજે ફાઇનલ, આ ટુર્નામેન્ટના કિંગ ગણાતા રાફેલ નડાલ વગરની છેલ્લાં પાંચ વર્ષમાં પહેલી અને છેલ્લાં ૧૬ વર્ષમાં ચોથી ફાઇનલ

નોવાક જૉકોવિચ અને સ્ટિફાનોસ ત્સીત્સીપાસ

પૅરિસમાં આજે ફ્રેન્ચ ઓપનની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં વર્લ્ડ નંબર વન નોવાક જૉકોવિચ અને પાંચમા ક્રમાંકિત સ્ટિફાનોસ ત્સીત્સીપાસ વચ્ચે જંગ જામશે.­ ૩૪ વર્ષના સર્બિયાનો જૉકોવિચ આજે તેના ૧૯મા જ્યારે ગ્રીકનો ૨૨ વર્ષનો ત્સીત્સીપાસ તેના પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ માટે કોર્ટમાં ઊતરશે. 

ત્સીત્સીપાસની આ પ્રથમ, જ્યારે જૉકોવિચ ૨૯મી ગ્રૅન્ડ સ્લૅમ ફાઇનલ રમશે 
ત્સીત્સીપાસ સેમી ફાઇનલમાં જર્મનીના છઠ્ઠા ક્રમાંકિત ઍલેક્ઝાન્ડર ઝ્‍વેરેવ સામે પાંચ સેટના રોમાંચક જંગમાં ૬-૩, ૬-૩, ૪-૬, ૪-૬ અને ૬-૩થી વિજય મેળવીને, જ્યારે જૉકોવિચે રાફેલ નડાલને ૩-૬, ૬-૩, ૭-૬, ૬-૨થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

નડાલને આઉટ કર્યા બાદ હવે જૉકોવિચ આજે ૧૯મી ગ્રૅન્ડ સ્લૅમ જીતવા ફેવરિટ માનવામાં આવે છે. જૉકોવિચ‍ અત્યાર સુધી ૯ વખત ઑસ્ટ્રેલિયન ઓપન, પાંચ વાર વિમ્બલ્ડન, ત્રણ વાર યુએસ ઓપન અને એક વાર ફ્રેન્ચ ઓપન મળી કુલ ૧૮ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીત્યો છે. રૉજર ફેડરર અને રાફેલ નડાલ સૌથી વધુ ૨૦-૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતી ચૂક્યા છે અને જૉકોવિચ આજે જીત મેળવીને તેની નજીક પહોંચી જશે. બીજી તરફ ગ્રૅન્ડ સ્લૅમની ફાઇનલ રમનાર ત્સીત્સીપાસ પ્રથમ ગ્રીક ખેલાડી બની ગયો છે. આજે એ પ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી જીતીને ઇતિહાસ રચી શકે છે. જૉકોવિચ અને ત્સીત્સીપાસ ગયા વર્ષે સેમી ફાઇનલમાં ટકરાયા હતા અને પાંચ સેટના સંઘર્ષ બાદ જૉકોવિચ જીતીને ફાઇનલમાં પહોંચી ગયો હતો. 

ફ્રેન્ચ ઓપનમાં ૧૦૮મી મૅચમાં રાફેલની ત્રીજી હાર

શુક્રવારે રાતે ચાર કલાક ૧૧ મિનિટ અને ચાર સેટના રોમાંચક સંઘર્ષ બાદ કિંગ ઑફ ક્લે સ્પેનનો રાફેલ નડાલ સેમી ફાઇનલમાં હારીને બહાર થઈ ગયો હતો. તેની આ સૌથી ફેવરિટ સ્પર્ધા નડાલે રેકૉર્ડ ૧૩ વાર જીતીને આ વખતે ૧૪મી વાર જીતવા તે હોટ ફેવરિટ હતો, પણ ફાઇનલ પહેલાંની આ ફાઇનલ સમાન સેમી ફાઇનલ અને તેના સૌથી કટ્ટર હરીફ જૉકોવિચ સામેના આ ૫૮મા જંગનો પહેલો સેટ ૬-૩થી જીતીને શાનદાર શરૂઆત કરી હતી, પણ જૉકોવિચે ત્યાર બાદ વળતો પ્રહાર કરતાં બીજો સેટ ૬-૩થી, ત્રીજો સેટ ટાઇબ્રેકરમાં ૭-૬ અને ચોથો અને છેલ્લો સેટ ૬-૨થી જીતીને નડાલનું ૧૪મું ફ્રેન્ચ ઓપન અને ૨૧મું રેકૉર્ડ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. નડાલની ફ્રેન્ચ ઓપનમાં ૧૦૮મી મૅચમાં આ ત્રીજી હાર હતી, જેમાં બે વાર જૉકોવિચ સામે મળી છે.
નડાલ આ પહેલાં ૨૦૦૯માં ચોથા રાઉન્ડમાં રૉબિન સોડરલિંગ સામે અને ૨૦૧૫માં ક્વૉર્ટર ફાઇનલમાં જૉકોવિચ સામે હાર્યો હતો. ફ્રેન્ચ ઓપનમાં સેમી ફાઇનલ કે ફાઇનલમાં નડાલની આ પહેલી હાર હતી. 

ગ્રૅન્ડ સ્લૅમમાં જૉકોવિચે 8મી વાર ડિફેન્ડિંગ ચૅમ્પિયનને હરાવ્યો હતો, જે એક રેકૉર્ડ છે. આ ઉપરાંત જૉકોવિચે ક્લે કોર્ટમાં રેકૉર્ડ આઠમી વાર નડાલને હરાવ્યો હતો. 

આ હાર સાથે નડાલના ફ્રેન્ચ ઓપનમાં ૨૦૧૬થી શરૂ થયેલી સતત 35 મૅચમાં જીતનો સિલસિલો અટકી ગયો હતો. આ બાબતનો સતત ૩૯ જીતનો રેકૉર્ડ પણ નડાલના નામે છે. નવાઈની વાત એ છે કે બન્ને વખતે જીતનો સિલસિલો જૉકોવિચે જ અટકાવ્યો છે. 

novak djokovic tennis news sports news sports french open