કુસ્તીબાજની દીકરી જ્ઞાનેશ્વરી યાદવે જીત્યો સિલ્વર મેડલ

28 July, 2026 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢની જ્ઞાનેશ્વરી યાદવે કૉમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 53 કિલો વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. આર્થિક સંઘર્ષ વચ્ચે ઇલેક્ટ્રિશિયન પિતાની દીકરીએ મહેનતથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું.

જ્ઞાનેશ્વરી યાદવ

પરિવારનું ગુજરાન ચલાવવા પપ્પાએ ઇલેક્ટ્રિશિયન બનવું પડ્યું હતું

કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખાતામાં પાંચમો મેડલ વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે સેટ કરાવી આપ્યો હતો. મહિલાઓની ૫૩ કિલોની કૅટેગરીમાં તેણે સ્નૅચમાં ૮૮ કિલો અને ક્લીન ઍન્ડ જર્કમાં ૧૧૧ કિલો સહિત કુલ ૧૯૯ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો. નાઇજીરિયાની તેની હરીફે ૨૦૬ કિલો વજન ઉપાડીને ગોલ્ડ જીત્યો હતો.  
છત્તીસગઢની ૨૩ વર્ષની જ્ઞાનેશ્વરી યાદવ અવિભાજિત મધ્ય પ્રદેશના પ્રખ્યાત કુસ્તીબાજ દીપક યાદવની દીકરી છે. બાળપણમાં પપ્પાનો હાથ પકડીને જય ભવાની વ્યાયામશાળામાં તાલીમ લેવા જતી હતી. તેના પપ્પા બૉડી-બિલ્ડિંગ પર ફોકસ કરતા ત્યારે જ્ઞાનેશ્વરીએ વેઇટલિફ્ટિંગની શરૂઆત કરી દીધી હતી. 
જ્ઞાનેશ્વરીના પપ્પા એક ઉચ્ચ કક્ષાના રમતવીર હતા, પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે ઇલેક્ટ્રિશિયન બનવું પડ્યું. તે બીજા લોકોના ઘરમાં વીજળીનું સમારકામ કરતા હતા પરંતુ તેના પરિવારમાં ગરીબીનો અંધકાર છવાયેલો હતો. માત્ર સાતથી ૧૦ હજાર રૂપિયાની માસિક આવક સાથે જ્ઞાનેશ્વરીની ડાયટ, સ્પોર્ટ્‍સની કિટ, પરિવારનો ખર્ચ અને બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો.
૨૦૧૭નું વર્ષ જ્ઞાનેશ્વરી યાદવની કરીઅરમાં એક વળાંક હતું. તેણે રાજ્ય સ્તરની ઇવેન્ટમાં પોતાનો પહેલો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૨૨માં ભુવનેશ્વરમાં જુનિયર મહિલા વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેને પટિયાલામાં નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટ્‍સ ઍકૅડેમી માટે પસંદ કરવામાં આવી. 
૨૦૨૨માં જ તેણે કૉમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં જુનિયર અને સિનિયર બન્ને કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો અને લોઅર વેઇટ કૅટેગરીમાં મીરાબાઈ ચાનુ જેવી નામના મેળવી હતી. મીરાબાઈ ચાનુ માટે તેણે ૪૮ કિલોની કૅટેગરી છોડીને ૫૩ કિલોની કૅટેગરી અપનાવી હતી.

sports news sports commonwealth games india chattisgarh