05 August, 2026 06:04 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
હર્ષિતા જાખર
ટૂર ડી ફ્રાન્સ ફેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા સાઇક્લિસ્ટ બનવાની સિદ્ધિ રાજસ્થાનની હર્ષિતા જાખડે મેળવી છે. હાલમાં સ્વિટ્ઝરલૅન્ડમાં ટૂર ડી ફ્રાન્સ ફેમ્સના બીજા તબક્કાની ઔપચારિક શરૂઆત દરમ્યાન તેણે રાઇડર્સના એક ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું. તેના ગ્રુપે ૪.૫ કિલોમીટરની ન્યુટ્રલાઇઝ્ડ રાઇડ પૂર્ણ કરી હતી.
રાજસ્થાનની આ સાઇક્લિસ્ટ હર્ષિતા જાખડ ઇન્ટરનૅશનલ સાઇક્લિંગ યુનિયન (UCI)ના વર્લ્ડ સાઇક્લિંગ ટૅલન્ટ પ્રોગ્રામ માટે પસંદ કરાયેલા ૮ રાઇડર્સમાંની એક હતી. આ કાર્યક્રમ વિકાસશીલ દેશોના રમતવીરોને ટૉચના સ્તરની સાઇક્લિંગ ઇવેન્ટ્સમાં ભાગ લેવાની તક પૂરી પાડે છે અને તેમને સહાયક વાતાવરણ પૂરું પાડે છે.
ટૂર ડી ફ્રાન્સ ફેમ્સ મહિલાઓ માટે વાર્ષિક રોડ સાઇક્લિંગ સ્ટેજ રેસ છે અને ઇન્ટરનૅશનલ સાઇક્લિંગ યુનિયન (UCI)ના મહિલા વર્લ્ડ ટૂર કેલેન્ડરની સૌથી મોટી અને લાંબી ઇવેન્ટમાંની એક તરીકે ગણાય છે.
હર્ષિતા જાખરે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ત્રણ ગોલ્ડ મેડલ અને એશિયન જુનિયર સાઇક્લિંગ ચૅમ્પિયનશિપ 2024માં એક સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ મેળવ્યા હતા. ૧૯ વર્ષની હર્ષિતા પપ્પા ભૂતપૂર્વ સાઇક્લિસ્ટ રાકેશ જાખર છે તેઓ તેના મેન્ટર પણ છે. રાકેશ જાખરે ૨૦૧૦માં નવી દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો.