08 December, 2025 02:06 PM IST | Chile | Gujarati Mid-day Correspondent
ભારતે લીગ સ્ટેજની ત્રણમાંથી બે મૅચ જીતી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો
ભારતની જુનિયર મહિલા હૉકી ટીમ ચિલીમાં આયોજિત FIH જુનિયર મહિલા વર્લ્ડ કપ 2025માં ટ્રોફી જીતવાની ૨૪ ટીમની રેસમાંથી લીગ સ્ટેજમાં જ બહાર થઈ ગઈ છે. ભારત ગ્રુપ-Cમાં જર્મની બાદ ૬ પૉઇન્ટ સાથે બીજા ક્રમે હતું. ભારતે લીગ સ્ટેજની ત્રણમાંથી બે મૅચ જીતી હતી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ટુર્નામેન્ટના નવા ફૉર્મેટને કારણે તેઓ ક્વૉર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવામાં ચૂકી ગયાં હતાં. ક્વૉર્ટર ફાઇનલ ક્વૉલિફિકેશનના નવા નિયમો અનુસાર ૬ ગ્રુપની નંબર વન ટીમ અને તમામ ગ્રુપમાંથી બીજા ક્રમે રહેલી બે સારા ગોલ રેકૉર્ડ ધરાવતી ટીમને ક્વૉર્ટર ફાઇનલમાં એન્ટ્રી મળી હતી. બેલ્જિયમ અને જપાન પોતાના ગ્રુપમાં બીજા ક્રમે રહીને સારો ગોલ-રેકૉર્ડ ધરાવતા હોવાથી નૉકઆઉટ રાઉન્ડમાં આગળ વધ્યા હતા.
જૂના ફૉર્મેટમાંથી ૧૬ ટીમના જંગમાં ૪-૪ના ગ્રુપમાં વિભાજિત ૪ ગ્રુપની ટૉપ-ટૂ ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં આગળ વધતી હતી.
તામિલનાડુમાં આયોજિત જુનિયર મેન્સ હૉકી વર્લ્ડ કપ 2025ની સેમી ફાઇનલ મૅચમાં ગઈ કાલે ભારતને ૧-૫થી જર્મની સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. ૭ વખતની ચૅમ્પિયન ટીમ સામે હાર મળતાં ૨૦૦૧ અને ૨૦૧૬ની વિજેતા ભારતીય ટીમ ટ્રોફી જીતવાની રેસમાંથી આઉટ થઈ ગઈ છે. સેમી ફાઇનલ પહેલાં ભારત ટુર્નામેન્ટમાં અજેય હતું. પહેલી સેમી ફાઇનલમાં આર્જેન્ટિના સામે સ્પેને ૨-૧થી જીત નોંધાવી હતી.