હું ફરી એક વખત વિમ્બલ્ડનમાં રમવા ઇચ્છું છું : નોવાક જૉકોવિચ

12 July, 2026 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની પંચાવનમી ગ્રૅન્ડ સ્લૅમ મૅચમાં હાર મળતાં ૩૯ વર્ષના નોવાક જૉકોવિચનું પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થયું હતું. 

નોવાક જૉકોવિચ

શુક્રવારે વિમ્બલ્ડન સેમી-ફાઇનલમાં યાનિક સિનરે ૬-૪, ૬-૪, ૬-૪ની સ્કોરલાઇન સાથે સર્બિયાના નોવાક જૉકોવિચ સામે આસાન જીત નોંધાવી હતી. પોતાની પંચાવનમી ગ્રૅન્ડ સ્લૅમ મૅચમાં હાર મળતાં ૩૯ વર્ષના નોવાક જૉકોવિચનું પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થયું હતું. 

જોકે હાર બાદ નોવાક જૉકોવિચે કહ્યું, ‘હું ઓછામાં ઓછું એક વાર વિમ્બલ્ડનમાં પાછો ફરવા માગું છું. મને હંમેશાં મારી જાત પાસેથી ખૂબ જ અપેક્ષાઓ હોય છે. મેં મારી જાતને અને અન્ય લોકોને સાબિત કર્યું છે કે હું હજુ પણ ટોચના સ્તરે રમી શકું છું. મને હજુ પણ સ્પર્ધાનો રોમાંચ ગમે છે. હું ફિટ હોઉં છું ત્યારે હું ટૉપ-ફાઇવ ખેલાડીઓને ટક્કર આપી શકું છું. એટલે જ મને મારું આ જીવન ગમે છે. ટેનિસે મને મારા જીવનમાં બધું જ આપ્યું છે અને આજે હું જે વ્યક્તિ છું એ બનવાની મંજૂરી આપી છે.’

છેલ્લાં બે વર્ષથી ટાઇટલ જીતી શક્યો નથી 

નોવાક જૉકોવિચ છેલ્લાં બે વર્ષથી રેકૉર્ડ-બ્રેકિંગ પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેન્સ સિંગલ્સમાં તેણે સૌથી વધુ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ જીત્યાં છે. તેણે છેલ્લે ૨૦૨૩માં US ઓપન જીતી ત્યારથી તે કોઈ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી શક્યો નથી.

નોવાક જૉકોવિચે ઑસ્ટ્રેલિયન ઓપન ૧૦ વખત, ફ્રેન્ચ ઓપન ૩ વખત, વિમ્બલ્ડન ૭ વખત અને US ઓપન ૪ વખત જીતી છે. ૨૦૨૩માં તેણે છેલ્લી ઑસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન જીતી હતી. વિમ્બલ્ડનમાં છેલ્લે તે ૨૦૨૨માં જીત્યો હતો. 

sports news sports tennis news novak djokovic