બૉક્સિંગમાં લવલિનાએ મેડલ પાકો કર્યો

31 July, 2021 09:03 AM IST  |  Mumbai | Agency

લવલિના સેમીમાં ટર્કીની વર્લ્ડ ચૅમ્પિયન બુસેનાઝ સર્મેનેલી સાથે ટકરાશે. લવલિના બે વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.

બૉક્સિંગમાં લવલિનાએ મેડલ પાકો કર્યો

પહેલી જ વાર ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહેલી ભારતની ૬૯ કિલો વર્ગની બૉક્સર લવલિના બોર્ગોહેઇને ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ચાઇનીઝ તાઇપેઇની નીન-ચીન ચેનને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. એ સાથે આ વર્ગની મુક્કાબાજીમાં તેણે ભારત માટે એક મેડલ પાકો કરી લીધો હતો. ભારત માટે મીરાબાઈ ચાનુના મેડલ પછી હવે લવલિનાએ મેડલ નિશ્ચિત કર્યો છે.
કિક-બૉક્સરમાંથી બૉક્સર બનેલી ૨૩ વર્ષની આસામની લવલિનાએ ચેનને ૪-૧થી પરાસ્ત કરી હતી. લવલિના સેમીમાં ટર્કીની વર્લ્ડ ચૅમ્પિયન બુસેનાઝ સર્મેનેલી સાથે ટકરાશે. લવલિના બે વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.
અવિનાશનો રેકૉર્ડ, પણ ફાઇનલથી વંચિત
ઍથ્લેટિક્સમાં ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝની હરીફાઈમાં ભારતનો અવિનાશ સાબળે નવો નૅશનલ રેકૉર્ડ કરવામાં સફળ થયો હતો, પરંતુ ઑલિમ્પિક્સની ફાઇનલ માટે ક્વૉલિફાય નહોતો થઈ શક્યો.
દુતી ચંદની એક્ઝિટ
રનર દુતી ચંદ ૧૦૦ મીટરની હીટ્સમાં ધાર્યા કરતાં નબળું પર્ફોર્મ કરવાને પગલે રમતોત્સવમાંથી આઉટ થઈ ગઈ હતી.
એમ. પી. જાબીર પણ ૪૦૦ મીટર હર્ડલ્સના રાઉન્ડ હીટ્સમાં ઘણો પાછળ રહ્યો હતો, જ્યારે મિક્સ્ડ ૪X૪૦૦ મીટર રિલે ટીમ સેકન્ડ હીટ રેસમાં આઠમા અને અંતિમ સ્થાને રહી હતી.
એકંદરે ઍથ્લેટિક્સમાં ભારતીયોએ નબળો આરંભ કર્યો હતો.
શૂટિંગમાં મનુ અને રાહી સ્પર્ધામાંથી આઉટ
શૂટિંગમાં પણ ભારત માટે સારો દિવસ નહોતો. મનુ ભાકર અને રાહી સરનોબતે પચીસ મીટર પિસ્તોલ ક્વૉલિફિકેશન્સ (રૅપિડ ફાયર સ્ટેજ)માં અનુક્રમે ૧૫ તથા ૩૨મા નંબરવાળા ખરાબ પર્ફોર્મન્સને લીધે એક્ઝિટ જોવી પડી હતી. પિસ્તોલ શૂટર્સ સતત બીજી ઑલિમ્પિક્સમાંથી મેડલ વગર પાછા આવી રહ્યા છે.
ઇક્વેસ્ટ્રિયન મિર્ઝા સાતમા સ્થાને
ઇક્વેસ્ટ્રિયનની હરીફાઈમાં ફાઉદ મિર્ઝા ઇવનિંગ ડ્રેસજના પ્રથમ દિવસે સાતમા નંબરે હતો.

sports news sports