બૅડ્‌મિન્ટનમાં ભારત બેમિસાલ

16 May, 2022 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલી જ વાર થોમસ કપની ફાઇનલમાં પહોંચ્યા બાદ ૧૪ વાર ચૅમ્પિયન બનેલા ઇન્ડોનેશિયાને ૩-૦થી હરાવીને જીતી લીધું પ્રથમ ટાઇટલ

બૅડ્‌મિન્ટનમાં ભારત બેમિસાલ

ક્રિકેટ, હૉકી, ટેનિસ, ચેસ સહિત અનેક રમતોમાં છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન ઇતિહાસ સર્જી ચૂકેલા ભારતે ગઈ કાલે બૅડ્‌મિન્ટનમાં અનેરી સિદ્ધિ મેળવી હતી. બૅડ્‌મિન્ટનમાં થોમસ કપ દાયકાઓ જૂની અને ખૂબ પ્રતિષ્ઠિત સ્પર્ધા કહેવાય છે, જેમાં ભારત વધુમાં વધુ સેમી ફાઇનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ આ વખતે ભારતે પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ૧૪ વાર ચૅમ્પિયન બનેલા ઇન્ડોનેશિયાને ફાઇનલમાં ૩-૦થી હરાવીને ટ્રોફી જીતી લીધી છે. ૧૯૭૯માં ભારતનો સેમી ફાઇનલમાં પરાજય થયો ત્યાર પછી મોટા ભાગે ભારતીયો લીગ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. જોકે બૅન્ગકૉકમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સના મેડલિસ્ટ લક્ષ્ય સેન, ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંત તેમ જ ડબલ્સના પ્લેયર્સ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડીએ જોરદાર પર્ફોર્મ કરીને ભારતીય બૅડ્‌મિન્ટનમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે. આ શાનદાર વિજય સાથે ખેલકૂદમાં ભારતની પ્રતિષ્ઠા વધી ગઈ છે.

આ સ્પર્ધામાં એચ. એસ. પ્રણોય, ક્રિષ્ના પ્રસાદ ગરાગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલા, એમ. આર. અર્જુન અને ધ્રુવ કપિલાનો પણ સમાવેશ હતો.

ગઈ કાલે બૅન્ગકૉકમાં પુરુષો માટેની આ સ્પર્ધામાં ભારત અન્ડરડૉગ હતું અને સૌથી વધુ વખત ટાઇટલ જીતનાર ઇન્ડોનેશિયા સામે ક્લીન-સ્વીપથી જીત મેળવી છે. ગઈ કાલે લક્ષ્ય સેને વર્લ્ડ નંબર-ફાઇવ ઍન્થની સિનિસુકાને ૮-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૬થી હરાવીને ભારતને ૧-૦થી સરસાઈ અપાવી હતી. શેટ્ટી અને રૅન્કિરેડ્ડીની જોડીએ મોહમ્મદ એહસાન તથા કેવિન સંજયા સુકામુલ્યોને ૧૮-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૯થી પરાજિત કરીને સરસાઈ વધારીને ૨-૦ કરી હતી. ત્યાર બાદ બીજી સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંતે એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ જોનતન ક્રિસ્ટીને માત્ર ૪૮ મિનિટમાં ૨૧-૧૫, ૨૩-૨૧થી હરાવીને ભારત માટે વિજય નક્કી કરી દીધો હતો.

ચૅમ્પિયન બૅડ્‌મિન્ટન ટીમને એક કરોડ રૂપિયાનું ઇનામ

સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે ભારતની થોમસ કપ ચૅમ્પિયન મેન્સ ટીમ માટે ગઈ કાલે એક કરોડ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું હતું. આ સ્પર્ધાના પ્લે-ઑફમાં ભારતે મલેશિયા અને ડેન્માર્ક પછી વધુ એક ચૅમ્પિયન દેશ ઇન્ડોનેશિયાને પરાસ્ત કર્યું. દેશના બૅડ્‌મિન્ટન અસોસિએશને તેમ જ જાણીતા ખેલાડીઓ પ્રકાશ પાદુકોણ, પુલેલા ગોપીચંદ, સાઇના નેહવાલ, ભારતીય મેન્સ ટીમના કોચ મથાયાસ બોની ગર્લફ્રેન્ડ અને જાણીતી અભિનેત્રી તાપસી પન્નુએ તેમ જ વિરાટ કોહલીએ ભારતની ચૅમ્પિયન ટીમને સોશ્યલ મીડિયા પર અભિનંદન પાઠવ્યાં હતાં.

૧૯૮૩ના ક્રિકેટ વર્લ્ડ કપ જેવી છે ભારતની આ બૅડ્‌મિન્ટનની જીત : વિમલકુમાર

ભારતીય બૅડ્‌મિન્ટનના લેજન્ડ અને વર્તમાન કોચ વિમલકુમારે ગઈ કાલે થોમસ કપના ઐતિહાસિક ચૅમ્પિયનપદ વિશે કહ્યું હતું કે ‘ભારતને મેન્સ ટીમે જે સિદ્ધિ અપાવી એની ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. તેમણે અપ્રતિમ પર્ફોર્મ કરીને ભારતનું નામ રોશન કર્યું છે. ઇન્ડોનેશિયા સામે આપણો રેકૉર્ડ સારો નહોતો અને એની સામે ૩-૦થી જીતવું એ તો કમાલ જ કરી કહેવાય. આશા રાખું કે જેમ ૧૯૮૩માં ભારતે ક્રિકેટનો વર્લ્ડ કપ જીતવાની જે અપ્રતિમ સિદ્ધિ મેળવી હતી એનાથી દેશમાં ક્રિકેટની રમતને જે ફાયદો થયો એવો લાભ બૅડ્મિન્ટનને થોમસ કપની ઐતિહાસિક જીતથી થશે.

ચૅમ્પિયનો મારા નિવાસસ્થાને પધારજો : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન મોદીએ કાલે થોમસ કપ જીતનાર ભારતીય મેન્સ ટીમને અભિનંદન પાઠવ્યા હતા, મોબાઇલ પર વિડિયો કૉલિંગથી તેમની સાથે વાતચીત કરી હતી જેમાં વડા પ્રધાને તેમને ભારત પાછા આવ્યા બાદ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને પધારવાનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ બૅડ્‌મિન્ટન વિશ્ર્વના ટોચના ખેલાડીઓને હરાવવામાં પોતાના આ વિજેતા સંતાનોની મદદ કરવા બદલ તેમના મમ્મી-પપ્પાને પણ અભિનંદન આપવાની સાથે તેમનો આભાર માન્યો હતો.

મોદીએ ખેલાડીઓ સાથેની વાતચીતમાં તેમને કહ્યું, ‘ભારતીય બૅડ્‌મિન્ટન ટીમે ઇતિહાસ સરજ્યો. સમગ્ર દેશ તમારા આ પર્ફોર્મન્સથી ખુશખુશાલ છે. તમને ખૂબ-ખૂબ અભિનંદન અને આવનારી સ્પર્ધાઓ માટે શુભેચ્છા. તમારી આ જીત દેશના ઊભરતા સ્પોર્ટ્સપર્સન્સને મોટિવેટ કરશે.’

sports sports news badminton news