06 June, 2026 10:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ભારત માટે પહેલા બે ગોલ્ડ જીતનાર રિતુ મોન્ડલ અને અભય બર્મન
અમદાવાદમાં આયોજિત પ્રથમ વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં યજમાન ભારતે શાનદાર શરૂઆત કરી છે. ૭૮ દેશના ૫૦૦ યોગવીરો વચ્ચે આ ચૅમ્પિયનશિપ રમાઈ રહી છે. પહેલા દિવસે વ્યક્તિગત કૅટેગરીઓમાં ભારતે પાંચ ગોલ્ડ મેડલ અને એક બ્રૉન્ઝ સહિત ૬ મેડલ સાથે પૉઇન્ટ-ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારત ૧૨૨ સભ્યોની ટીમ સાથે આ ચૅમ્પિયનશિપમાં ઊતર્યું છે.
પશ્ચિમ બંગાળના અભય બર્મન (સિનિયર પુરુષ)એ વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરંપરાગત યોગાસનની કૅટેગરીમાં જ રિતુ મોન્ડલ (સિનિયર મહિલા)એ પણ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સિનિયર-B મેન્સ ઇવેન્ટમાં રોશન થાપા અને સિનિયર-A વિમેન્સ ઇવેન્ટમાં રિતુ ઠાકુર ગોલ્ડ જીત્યાં હતાં. સિનિયર-A મેન્સ ઇવેન્ટમાં ભારતનો સુમીર ગ્નાવલી બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ટ્વિસ્ટિંગ બૉડી કૅટેગરીમાં જ્યોતિ દેઉરકર સિનિયર-B ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી.