ગ્લાસગોમાં પુરુષોની ૧૦૦ મીટર પૅરા-રેસમાં ભારતે ઐતિહાસિક ગોલ્ડ-સિલ્વર જીત્યા

31 July, 2026 10:43 AM IST  |  Glasgow | Gujarati Mid-day Correspondent

ગોલ્ડ મેડલ જીતનાર દિલીપ મહાદુ ગાવિતે ઝાડ પરથી પડી જવાથી અને સિલ્વર જીતનાર મોહમ્મદ બાસિલે જન્મથી જ જમણો હાથ ગુમાવ્યો હતો

દિલીપ મહાદુ ગાવિત અને મોહમ્મદ બેસિલ

ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને ૧૪મો અને ૧૫મો મેડલ પુરુષોની ૧૦૦ મીટર T47 પૅરા-રેસમાંથી મળ્યો હતો. પહેલી વખત આ ઇવેન્ટમાં ભારતના બે ખેલાડીઓએ એકસાથે પોડિયમ ફિનિશ મેળવ્યું હતું. દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ મેડલ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીત્યો હતો. T47 કૅટેગરી એટલે એક હાથ અથવા ખભાની ખામી ધરાવતા પરંતુ પગની કામગીરી સામાન્ય હોય એવા રમતવીરોની સ્પર્ધા. ભારતના આ બન્ને રમતવીરોનો કોણી પાસેથી જમણા હાથનો નીચેનો ભાગ નથી. ભારતીય પૅરા-સ્પ્રિન્ટર દિલીપ ગાવિતે ૧૦.૭૧ સેકન્ડ અને મોહમ્મદ બાસિલે ૧૦.૮૩ સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. ઇંગ્લૅન્ડના હરીફે ૧૦.૮૫ સેકન્ડના સમય સાથે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

મોહમ્મદ બાસિલનો ગયા વર્ષે જ પૅરા-ઍથ્લેટિક્સથી પરિચય થયો

કેરલમના ૨૧ વર્ષના મોહમ્મદ બાસિલ માટે આ ઇન્ટરનૅશનલ લેવલ પર પહેલો જ મેડલ છે. જન્મથી જ જમણા હાથમાં આવી ખામી 
ધરાવતા મોહમ્મદ બાસિલના બે ભાઈઓ પણ અપંગતા ધરાવે છે. મુશ્કેલીઓ હોવા છતાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેનોએ તેના રમતગમતનાં સપનાંઓને ટેકો આપ્યો.
૮ વર્ષ સુધી મોહમ્મદ બાસિલે સંપૂર્ણ ફિટ ખેલાડી તરીકે જ ટ્રેઇનિંગ કરી હતી. ૨૦૨૫માં તેને પૅરા-ઍથ્લેટિક્સનો પરિચય થયો. તે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (SAI)ની સિસ્ટમ હેઠળ સ્ટ્રક્ચર્ડ તાલીમ તરફ વળ્યો હતો. તેને ઇન્ડિયન ઓપન પૅરા-ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી હતી.

તબીબી સારવારના અભાવે હાથ ગુમાવ્યો

૨૩ વર્ષનો પૅરા-સ્પ્રિન્ટર દિલીપ મહાદુ ગાવિત મહારાષ્ટ્રના નાશિક નજીકના નાના ગામ તોરણ ડોંગરીમાં જન્મ્યો હતો. માત્ર ૬ વર્ષની ઉંમરે ઝાડ પરથી પડી જવાથી તેણે પોતાનો જમણો હાથ ગુમાવ્યો હતો. સમયસર તબીબી સારવારના અભાવે તેનો કોણી નીચેનો હાથ કાપવો પડ્યો હતો. દિલીપ મહાદુ ગાવિત અને તેના ખેડૂત પરિવાર બન્ને માટે આ ઘટના એક મોટો ફટકો હતો. જોકે તેણે આનાથી તેના જીવનને વ્યાખ્યાયિત થવા દીધું નહીં અને તેના બદલે દોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સ્કૂલમાં શારીરિક રીતે સક્ષમ બાળકો વચ્ચે શાનદાર પ્રદર્શન કરનાર દિલીપ મહાદુ ગાવિતને જોઈ કોચ વૈજનાથ કાલેએ તેને ટ્રેઇનિંગ આપવાનું શરૂ કર્યું અને પૅરા-સ્પર્ધાઓની સમજ આપી હતી. ૨૦૨૩માં તેણે એશિયન પૅરા-ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

sports news sports commonwealth games glasgow scotland