10 September, 2025 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્રૅન્ડમાસ્ટર અભિમન્યુ મિશ્રા
ઉઝબેકિસ્તાનમાં આયોજિત ગ્રૅન્ડ સ્વિસ ચેસ ટુર્નામેન્ટમાં મોટો ઊલટફેર થયો છે. અમેરિકાના ૧૬ વર્ષના ગ્રૅન્ડમાસ્ટર અભિમન્યુ મિશ્રાએ ૧૯ વર્ષના વિશ્વચૅમ્પિયન ગુકેશ ડી.ને પાંચમા રાઉન્ડમાં ૬૧ ચાલની રમતમાં હરાવીને ઇતિહાસ રચ્યો હતો. અભિમન્યુ ક્લાસિકલ ચેસની રમતમાં કોઈ વર્તમાન વિશ્વચૅમ્પિયનને હરાવનાર સૌથી નાની ઉંમરનો પ્લેયર બન્યો છે. આ મૅચ પહેલાં અભિમન્યુએ વધુ એક પ્રતિભાશાળી ભારતીય ચેસ પ્લેયર આર. પ્રજ્ઞાનંદ સામે ડ્રૉ મૅચ રમી હતી.
વર્ષ ૨૦૧૯માં ૧૦ વર્ષ ૯ મહિના ૨૦ દિવસની ઉંમરે તે યંગેસ્ટ ઇન્ટરનૅશનલ માસ્ટર અને વર્ષ ૨૦૨૧માં ૧૨ વર્ષ ૪ મહિના પચીસ દિવસની ઉંમરે યંગેસ્ટ ગ્રૅન્ડ માસ્ટર બનવાનો રેકૉર્ડ અભિમન્યુ બનાવી ચૂક્યો છે. વર્ષ ૨૦૦૯ની પાંચ ફેબ્રુઆરીએ જન્મેલો અભિમન્યુ ન્યુ જર્સી (ન્યુ યૉર્ક)માં રહે છે. તેના પપ્પા હેમંત મિશ્રા ભોપાલ અને મમ્મી સ્વાતિ આગ્રાની છે. તેઓ વર્ષ ૨૦૦૦માં અમેરિકામાં શિફ્ટ થયાં હતાં. બે વર્ષ ૮ મહિનાની ઉંમરથી ચેસના પ્રેમમાં પડનાર અભિમન્યુએ પાંચ વર્ષની ઉંમરે ટુર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું હતું. તે હવે ચેસના ટૉપ-૧૦૦ના રૅન્કિંગમાં પણ સ્થાન મેળવી ચૂક્યો છે.