સાનિયાની ૨૦૨૨ને અંતે ટેનિસને બાય-બાય

20 January, 2022 12:49 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટેનિસ-સ્ટારે નિવૃત્તિ જાહેર કરતાં કહ્યું, ‘હવે ઉંમર વધતાં શરીર ઘસાતું જાય છે, ઘૂંટણ ખૂબ દુખે છે, ત્રણ વર્ષના દીકરાને બધા પ્રવાસમાં સાથે લઈ જવામાં બહુ જોખમ પણ છે’

સાનિયા મિર્ઝા

ભારતની ટેનિસ-ક્વીન અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકને પરણેલી ૩૫ વર્ષની સાનિયા મિર્ઝાએ ગઈ કાલે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયન ઓપનની મહિલા ડબલ્સના પહેલા જ રાઉન્ડમાં થયેલા પરાજય બાદ રિટાયરમેન્ટ જાહેર કરતાં કહ્યું હતું કે ‘૨૦૨૨ની સીઝન મારી છેલ્લી સીઝન છે. ઉંમર વધે છે એમ શરીર ઘસાતું જાય છે. કોઈ ઈજા થાય તો એમાંથી મુક્ત થતાં હવે લાંબો સમય લાગે છે. આજના પરાજય માટે કોઈ બહાનું નથી બતાવી રહી, પણ આજે પણ ઘૂંટણ ખૂબ દુખ્યો. ખાસ વાત તો એ છે કે હું ત્રણ વર્ષના દીકરાને દરેક પ્રવાસમાં સાથે લઈ જાઉં છું અને તેને વારંવાર પ્રવાસે લઈ જવામાં મોટું જોખમ છે. હું હવે પહેલાંની જેમ રોજ પોતાને મોટિવેટ નથી કરી શક્તી. પહેલાં જેવી ઊર્જા પણ હવે મારામાં નથી રહી. આ બધાં કારણસર મેં ઘણા સમય પહેલાં જ નક્કી કર્યું હતું કે ૨૦૨૨ મારી કરીઅરની છેલ્લી સીઝન હશે. હા, યુએસ ઓપન સુધી તો રમવું જ છે.’
ખેલરત્ન પુરસ્કાર વિજેતા સાનિયાએ માર્ચ, ૨૦૧૯માં પુત્રને જન્મ આપ્યો હતો અને ત્યાર બાદ ઘણા મહિને પાછી રમવા આવી હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે તે કારકિર્દીની ગાડીને ફરી પાટે નથી ચડાવી શકી.

સાનિયા મિર્ઝા છેલ્લે મેલબર્નમાં ટાઇટલ જીતી, હવે ત્યાંથી જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી

(૧) સાનિયા મિર્ઝાનો જન્મ ૧૯૮૬ની ૧૫ નવેમ્બરે મુંબઈમાં હૈદરાબાદી મુસ્લિમ પરિવારમાં થયો હતો. તે રાઇટ-હૅન્ડ (ટુ-હૅન્ડેડ બૅકહૅન્ડ) પ્લેયર છે. ૨૦૦૩માં તે પ્રોફેશનલ પ્લેયર બની હતી. તેનાં મમ્મી-પપ્પા સાથે હૈદરાબાદમાં રહે છે. જોકે વર્ષ દરમ્યાન થોડા મહિના પતિ શોએબ અને પુત્ર ઇઝહાન મિર્ઝા મલિક સાથે દુબઈમાં પણ રહે છે. ૨૦૧૦માં તેણે શોએબ મલિક સાથે લગ્ન કર્યાં હતાં.
(૨) સાનિયાએ ગઈ કાલે મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનના ડબલ્સના પહેલા જ રાઉન્ડમાં યુક્રેનની નાદિયા કિચનૉક સાથેની જોડીમાં હારી ગયા બાદ રિટાયરમેન્ટને લગતી જાહેરાત કરી હતી. કૅયા યુવેન અને ટૅમરા ઝિદાન્સેક સામે તેમનો ૪-૬, ૫-૭થી પરાજય થયો હતો.
(૩) સાનિયા મિર્ઝા ગ્રૅન્ડ સ્લૅમ ટેનિસનાં કુલ છ ટાઇટલ જીતી છે. ત્રણ ડબલ્સનાં અને ત્રણ મિક્સ્ડ-ડબલ્સનાં. એમાંનું છેલ્લું ટાઇટલ તે ૨૦૧૬માં મેલબર્નની ઑસ્ટ્રેલિયન ઓપનમાં સ્વિસ ટેનિસ-ક્વીન માર્ટિના હિન્ગિસ સાથેની જોડીમાં જીતી હતી. ત્યાર પછી સાનિયા એકેય મોટું ટાઇટલ નથી જીતી.
(૪) સાનિયાનાં છ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ્સની વિગત આ મુજબ છે : મહિલા ડબલ્સનાં ત્રણ ટાઇટલ (વર્ષ ૨૦૧૫માં વિમ્બલ્ડન, ૨૦૧૫માં યુએસ ઓપન અને ૨૦૧૬માં ઑસ્ટ્રેલિયન ઓપન). તે ૨૦૧૧માં ફ્રેન્ચ ઓપનની ડબલ્સની ફાઇનલમાં હારી ગઈ હતી. મિક્સ્ડ-ડબલ્સનાં ત્રણ ટાઇટલ (વર્ષ ૨૦૦૯માં ઑસ્ટ્રેલિયન ઓપન, મહેશ ભૂપતિ સાથે, ૨૦૧૨માં ફ્રેન્ચ ઓપન, 
મહેશ ભૂપતિ સાથે અને ૨૦૧૪માં યુએસ ઓપન, બ્રાઝિલના બ્રુસો સોઆરિસ સાથે).
(૫) સાનિયા ડબલ્સનાં ત્રણેય ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ માર્ટિના હિન્ગિસ સાથેની જોડીમાં જીતી હતી. ૨૦૧૪થી ૨૦૧૬ સુધીનાં ત્રણ વર્ષ સાનિયા માટે ગોલ્ડન હતાં.
(૬) મહિલા ડબલ્સમાં સાનિયા વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ નંબર-વન બની હતી. અત્યારે તેની ૬૨મી રૅન્ક છે. ડબલ્સમાં તે કુલ ૫૦૦ મૅચ જીતી અને ૨૨૦ હારી છે. ૬૯.૪ તેનો જીત-હારનો રેશિયો છે. ડબલ્સમાં કુલ ૪૩ ટાઇટલ જીતી છે.
(૭) સાનિયા સિંગલ્સ ટેનિસમાં માત્ર એક ટાઇટલ જીતી હતી. સિંગલ્સમાં તેનો ૨૭૧/૧૬૧નો જીત/હારનો રેશિયો છે. ૨૦૦૭ની સાલમાં તે સિંગલ્સમાં પોતાની સર્વોચ્ચ ૨૭મી રૅન્ક પર હતી.
(૮) તે ૨૦૦૮ અને ૨૦૧૬ની ઑલિમ્પિક ગેમ્સમાં રમી હતી.
(૯) સાનિયાએ ૨૦૦૬માં મુસ્લિમ સમુદાયના વિરોધના ડરથી ઇઝરાયલી મહિલા જોડીદાર શાહર પીર સાથે રમવાની મનાઈ કરી હતી. જોકે ૨૦૦૭માં તેની સાથે રમી હતી. ૨૦૧૦માં શોએબ મલિક સાથે પરણીને તેણે ભારતમાં કરોડો ચાહકોને નારાજ કર્યાં હતાં.
(૧૦) સત્તાવાર આંકડા મુજબ સાનિયા ટેનિસ રમીને કુલ ૭૦ લાખ ડૉલર (અંદાજે ૫૩ કરોડ રૂપિયા) કમાઈ છે. જોકે મૉડલિંગમાં તે આનાથી ઘણું વધુ કમાઈ છે.

સાનિયા સાત અવૉર્ડ જીતી છે
સાનિયા મિર્ઝાને મળેલા પુરસ્કારોની યાદી : મેજર ધ્યાનચંદ ખેલરત્ન (વર્ષ ૨૦૧૫), પદ્મભૂષણ (૨૦૧૬), અર્જુન અવૉર્ડ (૨૦૦૪), પદ્મશ્રી (૨૦૦૬), ડબ્લ્યુટીએ ન્યુ કમર ઑફ ધ યર (૨૦૦૫), બીબીસી લિસ્ટ ઑફ ૧૦૦ પ્રેરણારૂપ મહિલાઓમાં સામેલ (૨૦૧૫) અને એનઆરઆઇ ઑફ ધ યર (૨૦૧૬).

1
સાનિયા મિર્ઝા મહિલા ડબલ્સમાં ૨૦૧૫ના વર્ષમાં વિશ્વની આટલામી રૅન્ક પર પહોંચી હતી. ત્યારે માર્ટિના હિન્ગિસ તેની પાર્ટનર હતી.

sports sports news tennis news sania mirza