રંજનાની ભૂલને લીધે મહિલા ફુટબૉલ ટીમની ડ્રૉ મૅચ પરાજયમાં ફેરવાઈ

22 October, 2021 04:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લી ૧૨ મિનિટ બાકી હતી ત્યારે રંજના ચાનુના ઑન ગોલને કારણે ભારતનો ૨-૩થી પરાજય થયો હતો

રંજના ચાનુ

જાન્યુઆરીમાં ભારતમાં યોજાનારા મહિલા ફુટબૉલના એએફસી એશિયન કપ પહેલાં આશાલતાદેવીની કૅપ્ટન્સીમાં ફ્રેન્ડ્લી મૅચો રમી રહેલી ભારતની વિમેન્સ ટીમે સ્ટૉકહોમમાં બુધવારે સ્વીડનની હમ્મરબી ફુટબૉલ ટીમ સામેની ફ્રેન્ડ્લી મૅચમાં ૨-૨થી બરાબરીમાં રહ્યા છતાં છેલ્લી ૧૨ મિનિટ બાકી હતી ત્યારે રંજના ચાનુના ઑન ગોલને કારણે ભારતનો ૨-૩થી પરાજય થયો હતો. ૩૦મી મિનિટે ઇન્દુમતીએ ભારતને ૧-૦થી સરસાઈ અપાવી હતી અને પછી સ્વીડિશ ટીમના ગોલ પછી મનીષા પન્નાએ ભારતને ફરી લીડ અપાવી હતી. જોકે સ્કોર ૨-૨થી સમાન થયા પછી રંજનાની ભૂલને લીધે ભારતે હાર ખમવી પડી હતી.

ભારતીય ટીમ આ પહેલાંની ચારમાંથી ત્રણ ફ્રેન્ડ્લી મૅચ જીતી હતી, જેમાં તેણે યજમાન યુએઈને ૪-૧થી હરાવ્યા પછી ટ્યુનિશિયા સામે ૦-૧થી હાર ખમવી પડી હતી, પરંતુ પછીથી ભારતીય ટીમે બાહરિનને ૫-૦થી અને ચાઇનીઝ તાઇપેઇની ચડિયાતી રૅન્કવાળી ટીમને ૧-૦થી હરાવી હતી.

sports sports news football