ભારતીય વિમેન્સ હૉકી ટીમ માટે સૌથી વધુ ૩૨૦ મૅચ રમનારી વંદના કટારિયા નિવૃત્ત થઈ ગઈ

03 April, 2025 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પદ્‍‍મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા પ્લેયરે પોતાના બર્થ-ડે મન્થમાં જ પોતાની ૧૫ વર્ષની સ્વર્ણિમ કરીઅરનો કર્યો અંત

વંદના કટારિયા

ભારતીય વિમેન્સ હૉકી ટીમની સૌથી અનુભવી ફૉર્વર્ડ પ્લેયર વંદના કટારિયાએ ઇન્ટરનૅશનલ હૉકીને અલવિદા કહી દીધું છે. ૨૦૦૯માં સિનિયર ટીમમાં ડેબ્યુ કરનાર વંદનાએ ભારત માટે સૌથી વધુ ૩૨૦ મૅચમાં ૧૫૮ ગૉલ સાથે પોતાની ૧૫ વર્ષની સ્વર્ણિમ કરીઅરનો અંત કર્યો છે. પદ્‍‍મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા વંદના ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં ચોથા સ્થાને રહેલી ભારતીય ટીમનો ભાગ હતી જેમાં તેણે સાઉથ આફ્રિકા સામે હૅટ-ટ્રિક ગૉલ કર્યા હતા, તે આવું કરનારી ભારતની એકમાત્ર મહિલા હૉકી પ્લેયર બની હતી.

વંદનાએ અલગ-અલગ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સાથે ચાર ગોલ્ડ, ત્રણ સિલ્વર અને છ બ્રૉન્ઝ મેડલ સહિત ૧૩ મેડલ જીત્યા છે. ભારત માટે ૩૦૦ ઇન્ટરનૅશનલ મૅચ રમવાની પહેલી સિદ્ધિ મેળવનાર વંદનાએ સોશ્યલ મીડિયા પર ઇમોશનલ પોસ્ટ કરીને આગળના સમયમાં કોચ તરીકે હૉકી સાથે જોડાયેલા રહેવાનો સંકેત આપ્યો હતો. ઉત્તરાખંડના હરિદ્વારની રહેવાસી કટારિયાએ ફેબ્રુઆરીમાં ભુવનેશ્વરમાં FIH પ્રો લીગમાં ભારત માટે છેલ્લી મૅચ રમી હતી. કરીઅરના શ્રેષ્ઠ સ્તરે નિવૃત્તિ લેનાર કટારિયા ૧૫ એપ્રિલે ૩૩ વર્ષની થશે.  

indian womens hockey team hockey tokyo Olympics padma shri arjuna award sports news sports