આજથી યુરો કપ ફુટબૉલ ટુર્નામેન્ટનો પ્રારંભ

11 June, 2021 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇટલી અને ટર્કી વચ્ચે પહેલો મુકાબલો, ફ્રાન્સ ફેવરિટ પણ ઇંગ્લૅન્ડને ઘરઆંગણે રમાનારી મૅચનો લાભ મળશે, ૨૪ ટીમો વચ્ચે ૧૧ દેશોમાં રમાશે મૅચ, ૧ર જુલાઈએ લંડનમાં ફાઇનલ

ગોલની ઉજવણી કરતા ઇટલીના લોરેન્સે ઇનસાઇન અને બુરાક ઇલ્માઝનોફાઇલ ફોટો. બન્ને ટીમો વચ્ચે આજે ઇટલીના રોમમાં આવેલા ઑલિમ્પિક સ્ટેડીયમમાં યુરોકપની પહેલી મૅચ રમાશે.

આજથી યુરો ૨૦૨૦નો પ્રારંભ થઈ રહ્યો છે. યુરોપના ૨૪ દેશોની ફુટબૉલ ટીમ આ કપ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવશે. આ ટુર્નામેન્ટની ૧૬મી એડિશન છે. ગયા વર્ષે કોરોનાને કારણે આ ટુર્નામેન્ટ મોકૂફ રાખવામાં આવી હતી, જે હવે ૧૧ જૂનથી ૧૧ જુલાઈ સુધી ચાલશે. પહેલી વખત યુરો ટુર્નામેન્ટ કુલ ૧૧ દેશોનાં ૧૧ શહેરોમાં રમાશે. ૨૪ ટીમોને ૬ અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જે પૈકીના ફ્રાન્સ, જર્મની, પોર્ટુગલ, હંગેરીના ગ્રુપને ગ્રુપ ઑફ ડેથ એવું નામ પણ આપવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની પહેલી મૅચ આજે રાતે ભારતીય સમય પ્રમાણે ૧૨.૩૦ વાગ્યે ઇટલીના રોમમાં આવેલા સ્ટેડિયમમાં ઇટલી અને ટર્કી વચ્ચે રમાશે. 

ફિફા વર્લ્ડ કપ ૨૦૧૮ જીતનાર ફ્રાન્સ આ ટુર્નામેન્ટની ફેવરિટ ટીમ છે. ૨૦૧૬માં રમાયેલા યુરો કપમાં ફ્રાન્સ રનર્સઅપ હતું. ફાઇનલમાં પોર્ટુગલે એને હરાવ્યું હતું. આ વખતે બન્ને ટીમ એક જ ગ્રુપમાં છે. આ વર્ષે અન્ય ફેવરિટ ટીમ ઇંગ્લૅન્ડ છે. ઇંગ્લૅન્ડની ટીમ એની મોટા ભાગની મૅચો ઘરઆંગણે જ રમશે. જો ફાઇનલમાં પહોંચી તો લંડનમાં જ ફાઇનલ રમાવાની છે, જેને કારણે આ વખતે ઇંગ્લૅન્ડ માટે આ ટ્રોફી જીતવાની શ્રેષ્ઠ તક છે. 

સ્પેનના ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ
સ્પેનના ડિફેન્ડર ડિએગો લોરેન્ટોની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવ્યાની ઘોષણા સ્પૅનિશ ફુટબૉલ ફેડરેશન દ્વારા કરાઈ હતી. એક દિવસ પહેલાં જ એનો રિપોર્ટ પૉઝિટિવ આવવાથી આખી ટીમ સંક્રમિત થઈ હોવાની દહેશત ફેલાઈ હતી. બુધવારે લેવાયેલી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ  નેગેટિવ આવ્યો છે.  

ઇટલીના રોમમાં યોજાનારી ટર્કી અને ઇટલી વચ્ચેની યુરો કપની પહેલી મૅચમાં કુલ 15,948 દર્શકોને ઑલિમ્પિક સ્ટેડિયમમાં પ્રવેશવાની અનુમતિ છે. 

sports news sports football