ઇટલીનો યાનિક સિનર ૧૦૦મી ગ્રૅન્ડ સ્લૅમ જીત સાથે બૅક-ટુ-બૅક વિમ્બલ્ડન ટાઇટલ જીત્યો

14 July, 2026 12:43 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જર્મનીના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવને લાગલગાટ દસમી મૅચમાં હરાવ્યો

વિમ્બલ્ડન ચૅમ્પિયનની ટ્રોફી સાથે યાનિક સિનર અને લિન્ડા નોસ્કોવા

ઇંગ્લૅન્ડની સેન્ટર કોર્ટમાં રવિવારે મોડી રાતે ઇટલીનો ૨૪ વર્ષનો યાનિક સિનર વિમ્બલ્ડન મેન્સ ટાઇટલ જીત્યો હતો. વર્લ્ડ નંબર વન યાનિક સિનરે જર્મનીના ૨૯ વર્ષના ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે ૬-૭, ૭-૬, ૬-૩, ૬-૪થી શાનદાર જીત નોંધાવી હતી.

ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવે ફાઇનલ મૅચના પહેલા સેટમાં જીત નોંધાવીને યાનિક સિનર સામે સતત ૧૪ સેટથી હારવાનો સિલસિલો રોક્યો હતો. જોકે તેનો યાનિક સિનર સામે સતત હારવાનો આંકડો ૧૦ મૅચનો થયો છે. વર્લ્ડ નંબર ફોર ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવ હાલમાં જ ફ્રેન્ચ ઓપન 2026માં પહેલી ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો હતો. જોકે તે પોતાની પહેલી વિમ્બલ્ડન ફાઇનલ જીતી શક્યો નહીં.

સિનર વિમ્બલ્ડન ટાઇટલ ડિફેન્ડ કરનાર દસમો પુરુષ ખેલાડી બન્યો છે. બે વિમ્બલ્ડન ટાઇટલ સિવાય તેણે ૨૦૨૪માં US ઓપન, ૨૦૨૪ અને ૨૦૨૫ના ઑસ્ટ્રેલિયન ઓપન સહિત પાંચ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ પોતાને નામે કર્યાં છે.

ટેનિસ-કરીઅરની ૧૦૦મી ગ્રૅન્ડ સ્લૅમ જીત નોંધાવીને યાનિક સિનરે આ ટાઇટલ જીત્યું હતું. તેણે US ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં ૨૩-૨૩ મૅચ જીતી છે, જ્યારે ઑસ્ટ્રેલિયન ઓપનની જેમ હવે તેણે વિમ્બલ્ડનમાં પણ ૨૭ જીત નોંધાવી છે. 

46 - વિમેન્સ અને મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતવા બદલ ચૅમ્પિયનને આટલા કરોડ રૂપિયા મળે છે.

wimbledon sports sports news