૫-૦, ૭-૦, ૮-૦ : વિલારિયલ, ગ્રેનેડા, સેલ્ટાની શાનદાર જીત

02 December, 2021 03:04 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

લા લિગામાં વિક્ટોરિયા, લગૂના, ક્લબ એબ્રોની બૂરી હાર

આરબ કપનો ધમાકેદાર આરંભ : મંગળવારે ફિફા આરબ કપ ફુટબૉલ સ્પર્ધાનો શાનદાર સમારોહમાં આરંભ થયો હતો. ઓપનિંગ પછીની ગઈ કાલની એક મૅચમાં સુદાન સામે એક ગોલ થયા બાદ અલ્જિરિયાના પ્લેયરો એકમેકને ભેટી પડ્યા હતા. અલ્જિરિયાનો ૪-૦થી વિજય થયો હતો. અન્ય મૅચોમાં કતારે બાહરિનને ૧-૦થી, ટ્યુનિશિયાએ મૉરિટાનિયાને ૫-૧થી, યુએઈએ સિરિયાને ૨-૧થી હરાવ્યું હતું. ૧૬ આરબ દેશો વચ્ચેની આ સ્પર્ધાની કેટલીક મૅચો કતારના એ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે જ્યાં આવતા વર્ષે ફિફા વર્લ્ડ કપની અમુક મૅચો રમાવાની છે. (તસવીર : એ.એફ.પી.)

મૅડ્રિડથી મળેલા અહેવાલ મુજબ સ્પેનની કૉપા ડેલ રે નામની ફુટબૉલ સ્પર્ધામાં મંગળવારે રમાયેલી કેટલીક મૅચોમાં ત્રણ મૅચ એવી હતી જે વન-સાઇડેડ રહી હતી. વિલારિયલે વિક્ટોરિયા સીએફને ૮-૦થી હરાવીને અને ગ્રેનેડાએ ક્લબ લગૂનાને ૭-૦થી પરાજિત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્રીજા મુકાબલામાં સેલ્ટાએ ક્લબ એબ્રોની ટીમને ૫-૦થી હરાવી દીધી હતી.
વિલારિયલની જીતમાં સાત પ્લેયરોનાં યોગદાન હતાં. છ ખેલાડીઓએ એક-એક ગોલ કર્યો હતો, જ્યારે આલ્બર્ટો મૉરિનોએ બે ગોલ કર્યા હતા. ગ્રેનેડાના સાતમાંથી ત્રણ ગોલ ઍડ્રિયન બટ્કે બેનાવાઇડ્સે ૩૨, ૪૪, ૫૪મી મિનિટમાં કર્યા હતા.
ન્યુકૅસલની ૧૪મી મૅચ જીત વિનાની
ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં ન્યુકૅસલ ટીમ ૧૪ મૅચ રમી છતાં એક પણ મૅચ જીતી નથી શકી. મંગળવારે નૉર્વિચ સામેની એની મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. પૉઇન્ટ્સ-ટેબલમાં ન્યુકૅસલ છેલ્લા નંબરની ટીમ છે. આ લીગમાં પહેલી ૧૪માંથી એકેય મૅચ ન જીતનારી આ ચોથી ટીમ છે.
લીડ્સે પૅલેસને ૧-૦થી હરાવી
ઈપીએલમાં મંગળવારે લીડ્સ યુનાઇટેડ નામની ટીમે બ્રાઝિલના ખેલાડી રાફિન્હાના ૯૪મી મિનિટમાં (૯૦ મિનિટના સ્ટૉપેજ ટાઇમ પછી ચોથી મિનિટમાં) થયેલા ગોલથી ક્રિસ્ટલ પૅલેસને ૧-૦થી પરાજિત કરી હતી. ઈપીએલમાં અત્યારે ચેલ્સી ૩૦ પૉઇન્ટ સાથે મોખરે છે. મૅન્ચેસ્ટર સિટીના ૨૯ અને લિવરપુલના ૨૮ પૉઇન્ટ છે. લીડ્સ ૧૫મા અને પૅલેસ ૧૨મા ક્રમે છે.

ઇંગ્લૅન્ડની મહિલા ફુટબૉલ ટીમ ૨૦-૦થી જીતી

મહિલાઓનો ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા તથા ન્યુ ઝીલૅન્ડમાં સંયુક્ત રીતે યોજાશે અને એ માટે ચાલી રહેલા ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડે લાટવિયાને ૨૦-૦થી હરાવીને પોતાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. અગાઉના રેકૉર્ડમાં ઇંગ્લૅન્ડે ૨૦૦૫ની સાલમાં હંગેરીને ૧૩-૦થી પરાજિત કર્યું હતું. ગઈ કાલની મૅચમાં લૉરેન મે હેમ્પ નામની પ્લેયરે ચાર ગોલ કર્યા હતા, જ્યારે બીજી ત્રણ ખેલાડીઓની પણ ગોલની હૅટ-ટ્રિક હતી. અન્ય છ ખેલાડીઓનું પણ એક કે બે ગોલનું યોગદાન હતું.

sports sports news