07 September, 2026 10:59 AM IST | Buenos Aires | Gujarati Mid-day Correspondent
ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને લીઅનલ મેસી
ફુટબૉલ ફૅન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. પોર્ટુગલનો સ્ટાર ફુટબૉલર ક્રિસ્ટીઆનો રોનાલ્ડો અને હાલમાં આર્જેન્ટિનાની નૅશનલ ટીમમાંથી નિવૃત્તિ લેનાર લીઅનલ મેસી પહેલી વખત એક જ ટીમમાં રમતા જોવા મળી શકે છે.
આર્જેન્ટિનાનો ભૂતપૂર્વ સ્ટ્રાઇકર કાર્લોસ ટેવેઝ આગામી ડિસેમ્બર મહિનામાં બોકા જુનિયર્સના ‘લા બૉમ્બોનેરા’ સ્ટેડિયમમાં યોજાનારી પોતાની ફેરવેલ મૅચમાં ફુટબૉલના આ ટૉપ ટૂ ગોલસ્કોરરને રમવા માટે આમંત્રિત કરવાની યોજના બનાવી રહ્યો છે. કાર્લોસ ટેવેઝ ઇન્ટરનૅશનલ સ્તરે લીઅનલ મેસી અને ક્લબ-લેવલે મૅન્ચેસ્ટર યુનાઇટેડમાં ક્રિસ્ટીઆનો રોનાલ્ડો સાથે રમ્યો હતો.
લગભગ બે દાયકા સુધી એકબીજા સામે રમ્યા પછી મેસી અને રોનાલ્ડો આખરે સાથે રમી શકે છે. ઇન્ટરનૅશનલ અને ક્લબ સ્તરે બન્ને ખેલાડીઓ ૩૭ વખત સામસામે રમ્યા છે.
કાર્લોસ ટેવેઝ સાથે ફેરવેલ મૅચમાં એક ટીમમાં મેસી અને રોનાલ્ડો રમવા માટે હા પાડે છે કે નહીં એના પર સૌની નજર રહેશે.