✕

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર બની મનીષા ભાનવાલા

31 October, 2026 10:04 AM IST  |  Kazakhstan | Gujarati Mid-day Correspondent

અગાઉ પુરુષ કુસ્તીબાજ સુશીલ કુમાર ભારત માટે ૨૦૧૦માં એકમાત્ર ગોલ્ડ જીત્યો હતો.

મનીષા ભાનવાલા

કઝાખસ્તાનની રાજધાની અસ્તાનામાં હરિયાણાની ૨૯ વર્ષની રેસલર મનીષા ભાનવાલાએ ઇતિહાસ રચ્યો હતો. ગઈ કાલે મનીષાએ અમેરિકાની એબિગેલ એલિઝાબેથ નેટ સામે ૮-૬થી શાનદાર જીત નોંધાવી હતી. ૫૯ કિલો કૅટેગરીની ફાઇનલ મૅચમાં ૦-૬થી પાછળ રહ્યા પછી તેણે શાનદાર વાપસી કરી હતી. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા રેસલરનું સન્માન મનીષાને મળ્યું છે. 

મનીષા ભાનવાલાએ ૫૭ કિલોથી ૬૫ કિલો સુધીની વિવિધ વજન-કૅટેગરી હેઠળ ત્રણ વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ ભાગ લીધો છે. આ અનુભવનો લાભ ઉઠાવીને તેણે ગઈ કાલે તેની કરીઅરની સૌથી મોટી જીત નોંધાવી. એશિયન ચૅમ્પિયનશિપમાં તેણે એક ગોલ્ડ સહિત ત્રણ બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. 

પુરુષોની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બે વખતનો ઑલિમ્પિક્સ મેડલ વિજેતા સુશીલ કુમાર ભારતનો એકમાત્ર વર્લ્ડ ચૅમ્પિયન છે. તેણે ૨૦૧૦માં મૉસ્કોમાં ૬૬ કિલો કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવાના મામલે સુશીલ કુમાર પછી બીજી ભારતીય મનીષા ભાનવાલા બની છે. 

અન્ય બે મહિલા કુસ્તીબાજ નીલમ સિરોહી (૫૦ કિલો)ને અને કાજલ ધોચક (૭૬ કિલો)ને ફાઇનલની હાર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ૨૦૨૧માં ૫૭ કિલોની કૅટેગરીમાં સિલ્વર જીતનાર અંશુ મલિક અગાઉ વર્લ્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી એકમાત્ર ભારતીય મહિલા હતી.

wrestling kazakhstan asian games sports sports news