14 January, 2026 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લગ્નજીવનમાં ભંગાણ બાદ મૅરી કૉમનાં બે અફેરનો ખુલાસો કરીને ધડાકો કર્યો તેના એક્સ-હસબન્ડે
ભારતની ૬ વખતની વર્લ્ડ ચૅમ્પિયન એમ. સી. મૅરી કૉમે પોતાની અંગત જિંદગીમાં ચાલી રહેલા તોફાન વિશે પ્રથમ વખત મૌન તોડ્યું છે. રિંગમાં મોટા-મોટા મુક્કાબાજોને પરાસ્ત કરનાર મૅરી કૉમે સ્વીકાર્યું છે કે તેણે તેના પતિ કરુંગ ઑન્ખોલર સાથેના ૨૦ વર્ષના લગ્નજીવનનો અંત કર્યો છે. ડિસેમ્બર ૨૦૨૩માં જ તેઓ કાયદેસર રીતે અલગ થઈ ગયાં હતાં.
એક ઇન્ટરવ્યુમાં મૅરી કૉમે કહ્યું હતું કે ‘જ્યારે હું ઇન્જર્ડ થઈ અને મહિનાઓ સુધી પથારીવશ હતી અને વૉકરના સહારે ચાલતી હતી એ સમયે મારા પતિએ પીઠ પાછળ આર્થિક વિશ્વાસઘાત કર્યો હતો. પતિએ મારી જાણ બહાર બધી મિલકતો પોતાના નામે ડાઇવર્ટ કરી લીધી હતી અને જમીન ગિરવે મૂકીને કરોડો રૂપિયાનું દેવું કર્યું હતું.’
૪ બાળકોની માતા એવી આ સુપર મૉમના જીવનના આ અંધકારમય અધ્યાયે દેશના ખેલજગતને હચમચાવી દીધું છે.
જોકે એની સામે મૅરી કૉમના એક્સ-હસબન્ડ કરુંગ ઑન્ખોલરે દાવો કર્યો હતો કે ‘૨૦૧૩માં મૅરી કૉમનું એક જુનિયર બૉક્સર સાથે અફેર હતું. ત્યાર બાદ તેમના પરિવારો વચ્ચે લડાઈ થઈ હતી, પરંતુ સમાધાન થયું હતું. ૨૦૧૭થી તે મૅરી કૉમ બૉક્સિંગ ઍકૅડેમીમાં કામ કરતી કોઈ વ્યક્તિ સાથે સંબંધમાં છે. મારી પાસે સાબિતી માટે તેમની વૉટ્સઍપ ચૅટ પણ છે. હું હમણાં સુધી ચૂપ રહ્યો હતો. તે બીજો હસબન્ડ રાખવા ઇચ્છતી હોય તો રાખે, પણ મારા પર આરોપ લગાવતાં પહેલાં સાબિતી રૂપે ડૉક્યુમેન્ટ બતાવે.’