ફ્રાન્સ વર્લ્ડ કપ, યુરો કપ પછી હવે નેશન્સ લીગ જીતનારો પ્રથમ દેશ

12 October, 2021 05:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ સ્પર્ધામાં સ્પેન રનર-અપ રહ્યું

ફ્રાન્સની ટીમ

મિલાન શહેરમાં રવિવારે ફુટબૉલના વર્લ્ડ ચૅમ્પિયન તથા વર્લ્ડ નંબર-ફોર ફ્રાન્સે યુઈએફએ (યુઈફા) નેશન્સ લીગ સ્પર્ધાની ફાઇનલમાં વિશ્વની આઠમી રૅન્કના સ્પેનને ૨-૧થી હરાવીને પહેલી વાર આ સ્પર્ધા જીતી લીધી હતી.

ફ્રાન્સ વર્લ્ડ કપ ઉપરાંત યુરો કપ અને નેશન્સ લીગ સ્પર્ધા જીતનારો પ્રથમ દેશ બન્યો છે.

સ્પેન વતી મિકેલ ઑયરઝાબલે ૬૪મી મિનિટે ગોલ કર્યો, ત્યાર પછી ફ્રાન્સે ૦-૧થી પાછળ રહ્યા બાદ ૨-૧થી વિજય હાંસલ કર્યો હતો. ફ્રાન્સ વતી કરીમ બેન્ઝેમાએ ૬૬મી મિનિટે અને કાઇલિયાન ઍમ્બાપેએ ૮૦મી મિનિટે (મૅચ પૂરી થવાને ૧૦ મિનિટ બાકી હતી ત્યારે) ગોલ કર્યો હતો. ઍમ્બાપેનો વિવાદાસ્પદ ગોલ છેવટે ફાઇનલ-વિનિંગ સાબિત થયો હતો. સ્પેને એવી દલીલ કરી હતી કે ઍમ્બાપેનો એ ગોલ ન કહેવાય, કારણ કે બ્રેકઅવે પાસ મેળવતાં પહેલાં તે ઑફસાઇડ હતો. જોકે રેફરીના મતે ડિફેન્ડર એરિક ગાર્સિયા વચ્ચે આવીને બૉલને પોતાના કબજામાં કરતી વખતે બૉલને અડી ગયો હતો એ જોતાં ઍમ્બાપે ઑનસાઇડ કહેવાય.

આ સ્પર્ધામાં સ્પેન રનર-અપ રહ્યું, જ્યારે ત્રીજા સ્થાન માટેની મૅચમાં ઇટલીએ વર્લ્ડ નંબર-વન બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું હતું.

sports sports news football