મેસી, નેમાર નિષ્ફળ અને એમ્બાપે ઈજાગ્રસ્ત થતાં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પીએસજીની મૅચ ડ્રૉ

17 September, 2021 07:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીએસજી અને બેલ્જિયમ ચૅમ્પિયન્સ ક્લબ વચ્ચેની ગ્રુપ-એની મૅચ ૧-૧થી ડ્રૉ થઈ હતી

બેલ્જિયમમાં રમાયેલી મૅચ દરમ્યાન પીએસજીના ખેલાડીઓ નેમાર, એમ્બાપે તથા મેસી

યુનિયન ઑફ યુરોપિયન ફુટબૉલ અસોસિએશન (UEFA)ની ચૅમ્પિયન્સ લીગ મૅચમાં લિયોનેલ મેસી જેવો સ્ટાર ખેલાડી હોવા છતાં પૅરિસ સેઇન્ટ-જર્મેઇન (પીએસજી) જેવી ક્લબ અપેક્ષા મુજબનું પરિણામ મેળવી શકી નહોતી. પીએસજી અને બેલ્જિયમ ચૅમ્પિયન્સ ક્લબ વચ્ચેની ગ્રુપ-એની મૅચ ૧-૧થી ડ્રૉ થઈ હતી. પીએસજી સાથે પહેલી મૅચ રમતા મેસી તેમ જ એની સાથે નેમાર અને કાયલિયન એમ્બાપે જેવા સ્ટાર ખેલાડીઓ હતા છતાં તેઓ બેલ્જિયમ ક્લબના ડિફેન્સને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા.

બાર્સેલોનામાં મેસી, નેમાર અને લુઇસ સુઅરેજ આ ત્રણની જોડી ઘણી જાણીતી હતી, પરંતુ આ ત્રણ ઉપરાંત એમ્બાપે હોવા છતાં તેઓ અપેક્ષા મુજબનું પરિણામ આપી શક્યા નહોતા. મૅચની ૧૫મી મિનિટે પીએસજી તરફથી પહેલો ગોલ ફટકારાયો હતો તો બેલ્જિયમની ક્લબે પણ ફર્સ્ટ હાફ પહેલાં જ ગોલ ફટકારી મૅચને લેવલ કરી હતી. વળી બીજા હાફમાં એમ્બાપે ઈજાગ્રસ્ત થતાં પીએસજીની મુસીબતમાં વધારો થયો હતો. સેકન્ડ હાફમાં મેસીને ૭૦મી મિનિટે ગોલ કરવાની તક મળી હતી, પરંતુ એને બચાવવામાં આવ્યો હતો. ત્રણ-ત્રણ સ્ટાર ખેલાડીઓ હોવા છતાં મૅચ ૧-૧થી ડ્રૉ જતાં પીએસજીના મૅનેજરની ભારે ટીકા કરવામાં આવી હતી.

sports sports news football