આઇ ઍમ સૉરી, હું યુએસ ઓપનમાં નહીં રમું : નડાલ

21 August, 2021 12:42 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પગની ઈજાએ ચોથી રૅન્કના સ્ટાર ખેલાડીની ૨૦૨૧ની સીઝન અત્યારે જ પૂરી કરી નાખી

રાફેલ નડાલ

સ્પેનના પાટનગર મૅડ્રિડથી મળેલા અહેવાલ મુજબ દેશનો ટોચનો ટેનિસ ખેલાડી અને વિશ્વમાં ચોથી રૅન્ક ધરાવતો રાફેલ નડાલ પગની જૂની ઈજાને કારણે ૩૦ ઑગસ્ટે શરૂ થનારી વર્ષની છેલ્લી ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધા યુએસ ઓપનમાં પણ નહીં રમે. પગની ઇન્જરીને લીધે તે વિમ્બલ્ડનમાં અને તાજેતરની ટોક્યો ઑલિમ્પિક્સમાં નહોતો રમ્યો. એ પહેલાં તે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં નોવાક જૉકોવિચ સામે હારી ગયો હતો.

૩૫ વર્ષના નડાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા વિડિયોમાં ચાહકોને જણાવ્યું છે કે ‘આઇ એૅમ વેરી સૉરી... મને જણાવતાં ખૂબ દુઃખ થાય છે કે હું ૨૦૨૧માં ટેનિસ રમતો રહીશ એ શક્ય નથી. તમે તો જાણો જ છો કે એક વર્ષથી હું પગની ઈજાથી ખૂબ પરેશાન છું. પગની ઈજા મારા માટે નવી નથી. ૨૦૦૫ની સાલથી હું આ ઇન્જરીથી પીડાઉં છું. ત્યારે તો ડૉક્ટરો મારા ટેનિસના ભાવિ વિશે નકારાત્મક અભિપ્રાય ધરાવતા હતા, પરંતુ મેં જે સપનાં જોયાં હતાં એ મારે કેમેય કરીને પૂરાં કરવાં જ હતાં એટલે રમ્યો અને અનેક ટાઇટલ જીત્યો. એથી મને વિશ્વાસ છે કે હું પાછો રમવા આવીશ.’

નડાલ ભવ્ય કરીઅરમાં સિંગલ્સના કુલ ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે અને એ સંદર્ભમાં જૉકોવિચ તથા રૉજર ફેડરરની હરોળમાં છે.

sports sports news rafael nadal