પહેલી વાર ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટ જીત્યો છતાં જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા પ્રદર્શનથી નિરાશ

27 June, 2025 10:44 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

મે મહિનામાં દોહા ડાયમન્ડ લીગમાં ૯૦ મીટરનો ટાર્ગેટ પાર કર્યા બાદ તે સતત ૯૦ મીટરને પાર જૅવલિન થ્રો કરતો રહેવાની આશા રાખી રહ્યો હતો.

ફૅન્સને ચૅમ્પિયનની ટ્રોફી બતાવીને ઑટોગ્રાફ આપતો જોવા મળ્યો હતો નીરજ ચોપડા.

ભારતનો સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા મંગળવારે મોડી રાતે ચેક રિપબ્લિકના ઓસ્ટ્રાવાની ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટમાં ૮૫.૨૯ મીટરનો થ્રો કરીને ખિતાબ જીત્યો હતો. પૅરિસ ડાયમન્ડ લીગ જીત્યાના ચાર દિવસ પછી પહેલી વાર ગોલ્ડન સ્પાઇક ઇવેન્ટમાં ડેબ્યુ કરી ત્રીજા થ્રોથી પોતાની જીત સુનિશ્ચિત કરી હતી. ફિટનેસના કારણસર તે છેલ્લી બે સીઝનમાં આ ઇવેન્ટમાં નહોતો રમી શક્યો.

સળંગ ૨૪મી વાર જૅવલિન થ્રો ઇવેન્ટમાં ટૉપ-ટૂમાં રહેવા છતાં તેણે કહ્યું કે ‘હું આજે મારા પ્રદર્શનથી ખુશ નથી, પણ ખુશ છું કે હું ખિતાબ જીત્યો. હું વધુ સારું પ્રદર્શન કરી શક્યો હોત. હું નાનપણમાં આ ટુર્નામેન્ટ જોતો હતો. મેં ઉસૈન બોલ્ટ (દોડવીર) જેવા સ્ટારને ગોલ્ડન સ્પાઇક જીતતા જોયા હતા અને વિચાર્યું હતું કે હું પણ એક દિવસ જીતીશ. આજે એ સપનું સાકાર થયું છે.’

મે મહિનામાં દોહા ડાયમન્ડ લીગમાં ૯૦ મીટરનો ટાર્ગેટ પાર કર્યા બાદ તે સતત ૯૦ મીટરને પાર જૅવલિન થ્રો કરતો રહેવાની આશા રાખી રહ્યો હતો. હવે તે પાંચમી જુલાઈએ બૅન્ગલોરમાં નીરજ ચોપડા ક્લાસિક 2025માં ભાગ લેશે.

neeraj chopra sports news sports bengaluru