જૉકોવિચ ફ્રેન્ચ ઓપન પણ ગુમાવશે?

30 January, 2022 12:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સ દ્વારા રસીકરણના નિયમોને વધુ કડક બનાવાતાં નોવાક જૉકોવિચ ફ્રેન્ચ ઓપન પણ ગુમાવે એ‍વી શક્યતા ઊભી થઈ છે

જૉકોવિચ

ફ્રાન્સ દ્વારા રસીકરણના નિયમોને વધુ કડક બનાવાતાં નોવાક જૉકોવિચ ફ્રેન્ચ ઓપન પણ ગુમાવે એ‍વી શક્યતા ઊભી થઈ છે. ૧૫ ફેબ્રુઆરીથી ફ્રાન્સમાં કોઈ પણ સ્પોર્ટ્સ ઇવેન્ટ જોવા આવનારે જો કોઈ રસી મુકાવી ન હોય તો તેણે ચાર મહિના પહેલાં કોરોના-સંક્રમિત થયા હોવાનું પ્રૂફ આપવું પડશે. પહેલાં આ સમયમર્યાદા ૬ મહિનાની હતી. ફ્રાન્સની કેન્દ્ર સરકારે વાઇરસને કાબૂમાં લેવા માટે વૅક્સિન ન લીધી હોય એવી વ્યક્તિને સ્ટેડિયમ, રેસ્ટોરાં, બાર કે અન્ય જાહેર સ્થળોએથી દૂર રાખવાનું નક્કી કર્યું છે. 
જૉકોવિચે વૅક્સિન લીધી નથી અને તેના જણાવ્યા પ્રમાણે તે ડિસેમ્બરમાં કોરોના-સંક્રમિત થયો હતો. અગાઉના ૬ મહિનાના નિયમ મુજબ ૨૨ મેથી શરૂ થતી ફ્રેન્ચ ઓપનમાં તે રમી શક્યો હોત, પરંતુ જો નવો નિયમ લાગુ થયો તો તેણે વૅક્સિન લેવી પડશે અથવા તો ફરી પાછો કોરોના-સંક્રમિત થાય તો જ ફ્રેન્ચ ઓપનમાં રમી શકશે. આ મહિનાની શરૂઆતમાં જ તેને ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવા દેવાયો નહોતો, કારણ કે તેણે ત્યાંની સરકારના રસીકરણના નિયમોનું પાલન કર્યું નહોતું. 

sports sports news novak djokovic