ન્યુઝ શોર્ટમાઃ એક ક્લિકમાં વાંચો ખેલ જગતમાં શું બન્યું

12 June, 2021 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરો કપમાં કોરોનાએ પહેલો ગોલ કર્યો

વિનેશ ફોગાટ

ન્યુ ઝીલૅન્ડની મજબૂત શરૂઆત

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં રમાઈ રહેલી ઇંગ્લૅન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચમાં ગઈ કાલે બીજા દિવસે ન્યુ ઝીલૅન્ડે મજબૂત શરૂઆત કરી હતી. ઇંગ્લૅન્ડ ગઈ કાલે ૭ વિકેટે ૨૫૮ રનથી આગળ રમતાં ૩૦૩ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લૅન્ડ વતી રૉરી બર્ન્સ અને ડૅન લૉરેન્સે સૌથી વધુ એકસરખા ૮૧ રન બનાવ્યા હતા, તો પેસ બોલર માર્ક વુડ ૭ ફોર સાથે ફટકાબાજી કરીને ૪૧ રન ફટકારીને ટીમને ૩૦૦ પ્લસના સ્કોર સુધી લઈ ગયો હતો. ન્યુ ઝીલૅન્ડ વતી ટ્રેન્ટ બોલ્ટે ચાર અને મૅટ હેન્રીએ ત્રણ વિકેટ લીધી હતી.

જવાબમાં ન્યુ ઝીલૅન્ડે ૧૫ રનના સ્કરે કૅપ્ટન ટૉમ લૅથમ (૬)ને ગુમાવ્યા બાદ પહેલી મૅચમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ડેવોન કોન્વેના ૮૦ તથા વિલ યંગના અણનમ ૭૨ રનને લીધે બે વિકેટે ૨૧૧ રન બનાવ્યા હતા. એ બન્ને વિકેટ સ્ટુઅર્ટ બ્રૉડે લીધી હતી.

 

વિનેશ ફોગાટ ફાઇનલમાં

ટોક્યો ઑલિમ્પિક્સની તૈયારી યોગ્ય દિશામાં હોવાના સંકેત આપતાં ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટ પોલૅન્ડ ઓપનમાં ૫૩ કિલોગ્રામ કૅટેગરીમાં ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ફાઇનલમાં જીત મેળવીને વિનેશને આ સીઝનનો ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાનો માકો છે.

 

યુરો કપમાં કોરોનાએ પહેલો ગોલ કર્યો

યુરો કપના ગઈ કાલે પહેલા જ દિવસે મેદાનની અંદર કોઈ ગોલ થાય એ પહેલ મેદાનની બહાર કોરોનાએ પહેલો ગોલ કરી દીધો હતો. રશિયન ખેલાડી ઍન્દ્રે મોસ્ટોવોયનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ સાથે કોરોનાને લીધે ટીમમાંથી આઉટ થનાર એ પહેલો ખેલાડી બની ગયો હતો. બીજી તરફ પોતાની પ્રથમ મૅચના ત્રણ દિવસ પહેલાં સ્પેનની ટીમે કોરોના વાઇરસની વૅક્સિન લીધી હતી. સ્પેન તેના ગ્રુપ-ઈની પ્રથમ મૅચમાં સ્વીડન સામે રમવાનું છે.

sports sports news