ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

15 October, 2021 01:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાનો પુકોવ્સ્કી ૧૦મી વાર માથામાં બૉલ વાગતાં ગંભીર ઈજાગ્રસ્ત; ફુટબૉલમાં ભારતે ચડિયાતા ક્રમની ચાઇનીઝ તાઇપેઇને હરાવ્યું અને વધુ સમાચાર

પુકોવ્સ્કી

ભારતની આવતી કાલે નેપાલ સામે ફુટબૉલ-ફાઇનલ

સાઉથ એશિયન ફુટબૉલ ફેડરેશન (એસએએફએફ-સાફ)ની વાર્ષિક સ્પર્ધામાં આવતી કાલે ભારતની નેપાલ સામે ફાઇનલ છે. ભારત આ ચૅમ્પિયનશિપમાં ૧૨ વખત ફાઇનલમાં પહોંચ્યું છે અને વિક્રમજનક ૭ વાર ટ્રોફી જીત્યું છે. આ વખતની સ્પર્ધાની પાંચ ટીમમાં ભારત ૮ પૉઇન્ટ સાથે નંબર-વન અને નેપાલ ૭ પૉઇન્ટ સાથે બીજા નંબરે છે એટલે તેમની વચ્ચે ફાઇનલ રમશે. લીગ મૅચમાં ભારતે નેપાલને ૧-૦થી હરાવ્યું હતું.

૩૭ વર્ષના કૅપ્ટન સુનીલ છેત્રીએ બુધવારે યજમાન મૉલદીવ્ઝ સામેની લીગ મૅચમાં બે ગોલ કર્યા જેને કારણે ભારતે ૩-૧થી વિજય મેળવ્યો હતો. છેત્રીના એની સાથે ૧૨૪ મૅચમાં કુલ ૭૯ ઇન્ટૅનેશનલ ગોલ થયા છે. એ સાથે છેત્રી બ્રાઝિલના ફુટબૉલ-લેજન્ડ પેલે (૭૭ ગોલ)થી આગળ થઈ ગયો છે. પેલે સાથે છેત્રીની સરખામણી ન થઈ શકે, પણ ઇન્ટરનૅશનલ ગોલની સંખ્યાની વાત નીકળી છે તો મેસીના ૮૦ ગોલ છે એટલે છેત્રી હવે તેનાથી એક જ ડગલું દૂર છે.

 

ફિક્સિંગ છુપાવવા બદલ પાકિસ્તાની બૅટર સસ્પેન્ડ

પાકિસ્તાનના અન્ડર-૧૯ બૅટર અને ફર્સ્ટ-ક્લાસ સ્તરના ખેલાડી ઝીશન મલિકે તાજેતરમાં પૂરી થયેલી નૅશનલ ટી૨૦ ચૅમ્પિયનશિપમાં પોતાનો સ્પૉટ-ફિક્સિંગ બાબતમાં થયેલો સંપર્ક છુપાવવા બદલ ક્રિકેટ બોર્ડે કામચલાઉ રીતે તેને સસ્પેન્ડ કર્યો છે. પી.ટી.આઇ.ના જણાવ્યા મુજબ કરાચીથી મળેલા સંદેશા અનુસાર ઝીશન પાસે સ્પૉટ-ફિક્સિંગ સંબંધે એક વ્યક્તિએ સંપર્ક કર્યો હતો, પરંતુ ઝીશને એ વાત પોતાના પૂરતી સીમિત રાખી હતી.

 

પુરુષોનો ટૉપ-સીડેડ મેડવેડેવ પણ હાર્યો

અમેરિકાના કૅલિફૉર્નિયામાં ઇન્ડિયન વેલ્સ ખાતે રમાતી બીએનપી પારિબાસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં બુધવારે પુરુષોના વર્ગમાં પણ ટૉપ-સીડેડ ખેલાડીનો પરાજય થયો છે. સ્પર્ધાના નંબર-વન ખેલાડી ડેનિલ મેડવેડેવની ગ્રિગોર દિમિત્રોવ સામે ચોથા રાઉન્ડમાં ૬-૪, ૪-૬, ૩-૬થી હાર થઈ હતી. મહિલાઓમાં ટૉપ-સીડેડ કૅરોલિના પ્લિસકોવા ત્રણ દિવસ પહેલાં ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી.

 

ફુટબૉલમાં ભારતે ચડિયાતા ક્રમની ચાઇનીઝ તાઇપેઇને હરાવ્યું

મનામા ખાતે ભારતીય મહિલાઓની ફુટબૉલ ટીમે પોતાનાથી ચડિયાતા ક્રમની ચાઇનીઝ તાઇપેઇની ટીમને ૧-૦થી પરાજિત કરી છે. બુધવારની આ મૅચ વખતે ભારતીય ટીમની ૫૭ની ફિફા રૅન્ક સામે ચીની ટીમની ૪૦મી રૅન્ક હતી. આ ઇન્ટરનૅશનલ ફ્રેન્ડ્લી મૅચ હતી અને એમાં મૅચનો એકમાત્ર ગોલ રેણુએ ત્રીજી જ મિનિટે કર્યો હતો. ત્યાર પછી ચીની ટીમે ભારતીય ટીમનું ડિફેન્સ તોડવા અનેક વાર નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને બેમાંથી કોઈ પણ ટીમ ગોલ ન કરી શકતાં છેવટે ભારતને ૧-૦થી વિજેતા ઘોષિત કરાયું હતું.

 

બૅડ્મિન્ટનમાં ચીન સામે ભારત હાર્યું : ક્વૉર્ટરમાં ડેન્માર્ક સાથે થશે ટક્કર

ડેન્માર્કમાં ચાલી રહેલી થૉમસ કપ બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે ભારતનો ચીનની ચડિયાતી ટીમ સામે ૧-૪થી પરાજય થયો હતો. જોકે ભારતના પુરુષોની ટીમ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે અને ગઈ કાલની મૅચ માત્ર એક ઔપચારિકતા હતી. સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત, સમીર વર્મા, કિરણ જ્યૉર્જ તેમ જ ડબલ્સમાં અર્જુન-ધ્રુવ કપિલા પરાજિત થયા હતા, પરંતુ સાત્ત્વિક સાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી વિજયી થતાં ભારતનો વાઇટવૉશ નહોતો થયો. દરમ્યાન ક્વૉર્ટર ફાઇનલમાં આજે ભારતીય ટીમનો ડેન્માર્ક સાથે મુકાબલો છે.

 

ઑસ્ટ્રેલિયાનો પુકોવ્સ્કી ૧૦મી વાર માથામાં બૉલ વાગતાં ગંભીર ઈજાગ્રસ્ત

ઑસ્ટ્રેલિયાના વિલ પુકોવ્સ્કી નામના રાઇટ-હૅન્ડ બૅટરને ગયા અઠવાડિયા પહેલાં કુલ ૯ વખત માથામાં બૉલ વાગતાં તે ગંભીર રીતે ઈજા પામ્યો હતો અને ગયા સપ્તાહે તેને ૧૦મી વખત બૉલ વાગતાં ફરી ઘાયલ થયો છે. માથામાં બૉલ વાગવાની ઈજા કંકશન તરીકે ઓળખાય છે અને તે ૧૦ વાર કંકશનનો શિકાર થયો છે.

૨૩ વર્ષનો પુકોવ્સ્કી એક જ ટેસ્ટ રમ્યો છે. તેને થોડા મહિના પહેલાં ખભામાં ઈજા થઈ હતી. તે ગયા મંગળવારે વિક્ટોરિયામાં પ્રૅક્ટિસ કરી રહ્યો હતો ત્યારે થ્રોડાઉન સેશન દરમ્યાન તેને બૉલ માથામાં વાગ્યો હતો. જોકે તે વહેલાસર પાછો રમવા મક્કમ છે. ઇંગ્લૅન્ડ સામેની એશિઝ ટેસ્ટ-સિરીઝમાં ઓપનિંગમાં ડેવિડ વૉર્નરના જોડીદાર તરીકે પુકોવ્સ્કીનું નામ બોલાતું હતું. પુકોવ્સ્કીની અગાઉની કંકશનની ઈજા ગયા વર્ષે ઇન્ડિયા ‘એ’ સામેની વૉર્મ-અપ મૅચમાં પેસ બોલર કાર્તિક ત્યાગીનો બૉલ વાગતાં થઈ હતી.

sports sports news