ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

18 October, 2021 04:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શેફાલી-રાધાએ સિડની સિક્સર્સને અપાવ્યો વિજય; નીરજ ગોયતે ટાઇટલ જીતીને બૉક્સર આમિરને પડકાર્યો અને વધુ સમાચાર

શેફાલી વર્મા

શેફાલી-રાધાએ સિડની સિક્સર્સને અપાવ્યો વિજય

ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી મહિલાઓની બિગ બૅશ ટી૨૦ ટુર્નામેન્ટમાં ગઈ કાલે હૉબાર્ટમાં ભારતની શેફાલી વર્માએ હાફ સેન્ચુરી ફટકારીને અને રાધા યાદવે બે વિકેટ લઈને સિડની સિક્સર્સ ટીમને વિજય અપાવ્યો હતો. પાંચ વિકેટે મળેલી આ જીત હૉબાર્ટ હરિકેન ટીમ સામે મળી હતી. હૉબાર્ટની ટીમે ૯ વિકેટે ૧૨૫ રન બનાવ્યા પછી સિડની સિક્સર્સે શેફાલી (૫૭ રન, ૫૦ બૉલ, ૬ ફોર)ની ઇનિંગ્સની મદદથી ૧૯.૩ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૯ રન બનાવી લીધા હતા. એ પહેલાં લેફ્ટ-આર્મ સ્પિનર રાધા યાદવે બે વિકેટ લીધી હતી. શેફાલીએ એક કૅચ પણ પકડ્યો હતો. તેને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

દરમ્યાન, ભારતની લેગ-સ્પિનર પૂનમ યાદવની બે વિકેટ છતાં તેની બ્રિસબેન હિટ ટીમ પર્થ સ્કૉર્ચર્સ સામે હારી ગઈ હતી.

 

નીરજ ગોયતે ટાઇટલ જીતીને બૉક્સર આમિરને પડકાર્યો

ભારતના પ્રોફેશનલ બૉક્સર નીરજ ગોયતે શનિવારે દુબઈમાં ઇંગ્લૅન્ડના જાણીતા મુક્કાબાજ આમિર ખાનના સપોર્ટવાળી સુપર બૉક્સિંગ લીગની ક્રિપ્ટો ફાઇટ નાઇટમાં કોન્ગો દેશના બૉક્સર બેબે રિકો શિબાન્ગુને હરાવ્યો હતો અને પછી લાઇટ-વેલ્ટરવેઇટના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન આમિર ખાનને પોતાની સામે લડવા ફરી લલકાર્યો છે. જોકે આમિરે પત્રકારોને આ પડકાર વિશે કોઈ જવાબ નહોતો આપ્યો.

નીરજ ગોયતે દુબઈની મુક્કાબાજી ત્રીજા રાઉન્ડમાં ટેક્નિકલ પૉઇન્ટ્સના આધારે જીતી લીધી હતી. એ સાથે જ નીરજ ત્રણ વર્ષ પછી પણ હજી અજય છે.

 

બે વર્ષે ફિફા વર્લ્ડ કપ ન રાખો : ઑલિમ્પિક કમિટી

પરંપરાગત દર ચાર વર્ષને બદલે હવે દર બે વર્ષે ફુટબૉલનો વર્લ્ડ કપ રાખવાના ફિફાના વિચાર વિશે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી) ખૂબ ચિંતિત છે. કમિટીના ચીફ થૉમસ બાક ફિફાની આ આંતરિક બાબતમાં દખલગીરી ન કરવાનું વચન આપી ચૂક્યા છે, પરંતુ કમિટીના બીજા મોવડીઓએ શનિવારની મીટિંગમાં કહ્યું હતું કે ‘જો ફિફા વિશ્વ કપ દર બે વર્ષે યોજાય તો બીજી રમતોના શેડ્યુલમાં ખલેલ પહોંચે, પુરુષોના વર્લ્ડ કપ સામે મહિલા વર્લ્ડ કપનું મહત્ત્વ ઘણું ઘટી જાય તેમ જ પ્લેયરોની ફિટનેસ પર પણ વિપરીત અસર પડે. ફુટબૉલ વર્લ્ડ કપ દર બે વર્ષે રાખવા સંબંધમાં ફુટબૉલ-જગતમાં વ્યાપક સ્તરે ચર્ચા થઈ નથી.’

sports sports news