ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

19 October, 2021 04:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભવાનીદેવી ફ્રાન્સમાં તલવારબાજીની સ્પર્ધામાં ચૅમ્પિયન; સિંધુ અને સાઇનાનાં કમબૅક અને વધુ સમાચાર

પ્રેક્ષકો કૂદ્યા અને સ્ટૅન્ડ તૂટી પડ્યું! (તસવીર : એ.એફ.પી.)

પ્રેક્ષકો કૂદ્યા અને સ્ટૅન્ડ તૂટી પડ્યું!

નેધરલૅન્ડ્સમાં રવિવારે ફુટબૉલની મૅચ દરમ્યાન એક સ્ટૅન્ડ તૂટી પડ્યા બાદ એ તૂટેલા સ્ટૅન્ડ પર ઊભા રહેલા પ્રેક્ષકોનો આ ગંભીર પરિસ્થિતિમાં પણ સપોર્ટ કરવા બદલ આભાર માની રહેલા વિટેસ અર્હેમ ક્લબ ટીમના ખેલાડીઓ. વિટેસની ટીમે એનઈસી નિમેજેન્સ ક્લબ સામેની આ મૅચ ૧-૦થી જીતી લીધી હતી. મૅચ પૂરી થતાં ફુલ ટાઇમના અંતે ઉન્માદમાં આવેલા ૩૫ જેટલા પ્રેક્ષકો કૂદ્યા ત્યારે અચાનક સ્ટૅન્ડ તૂટી પડ્યું હતું. સદ્નસીબે કોઈને ઈજા નહોતી થઈ.

 

ભવાનીદેવી ફ્રાન્સમાં તલવારબાજીની સ્પર્ધામાં ચૅમ્પિયન

ટોક્યો ઑલિમ્પિક્સમાં તલવારબાજીની સ્પર્ધામાં ભાગ લેનારી પ્રથમ ભારતીય બનેલી ભવાનીદેવીએ ફ્રાન્સમાં તલવારબાજીની શાર્લેલવિલ નૅશનલ કૉમ્પિટિશન જીતી લીધી છે. તે મહિલાઓની વ્યક્તિગત હરીફાઈની સેબર ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી છે. ૨૮ વર્ષની ભવાની હાલમાં વિશ્વમાં મહિલા ફૅન્સર્સમાં ૫૦મી રૅન્ક ધરાવે છે. ભારતમાં તે ટૉપ-રૅન્કની ફૅન્સર છે.

 

મૉર્ગન અને મોઇન સહિત ૩૨ પ્લેયરો અબુ ધાબી ટી૧૦માં રમશે

યુએઈમાં પુરુષોનો ટી૨૦ વર્લ્ડ કપ ૧૪ નવેમ્બરે પૂરો થઈ જશે એના પાંચ દિવસ પછી અબુ ધાબી ટી૧૦ સ્પર્ધા શરૂ થશે જેમાં વર્લ્ડ કપના ૩૨ પ્લેયરો રમતા જોવા મળશે. એમાં ખાસ કરીને ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઇયોન મૉર્ગન, જેસન રૉય, મોઇન અલી, આદિલ રાશિદ, લયામ લિવિંગસ્ટન અને ક્રિસ જૉર્ડન તેમ જ અફઘાનિસ્તાન, બંગલા દેશના ખેલાડીઓ તથા આયરલૅન્ડના આક્રમક બૅટર પૉલ સ્ટર્લિંગનો સમાવેશ છે. અબુ ધાબીની ૧૦-૧૦ ઓવરની આ સ્પર્ધા વિશ્વની એકમાત્ર ટી૧૦ ટુર્નામેન્ટ છે જેને આઇસીસીએ માન્યતા આપી છે.

 

સિંધુ અને સાઇનાનાં કમબૅક : આજથી ડેન્માર્ક ઓપનમાં રમશે

મહિલા બૅડ્મિન્ટનની વર્લ્ડ ચૅમ્પિયન અને ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુએ ઉપરાઉપરી સ્પર્ધાઓમાં રમ્યા બાદ થોડો સમય જે બ્રેક લીધો હતો એ પૂરો થઈ ગયો છે અને તે આજે ઑડેન્સમાં શરૂ થતી ડેન્માર્ક ઓપનથી બૅડ્મિન્ટન કોર્ટમાં પુનરાગમન કરી રહી છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર સિંધુ સાથે સાઇના નેહવાલ પણ ઈજામાંથી મુક્ત થઈને કમબૅક કરી રહી છે. ચિરાગ શેટ્ટી અને સાત્ત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

 

બીજિંગની વિન્ટર ગેમ્સના જ્યોત પ્રાગટ્ય સમારોહમાં વિઘ્ન

ચીનના પાટનગર બીજિંગમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી વિન્ટર ગેમ્સ માટે ગઈ કાલે ઑલિમ્પિક્સના જન્મસ્થાન ગ્રીસમાં ઍન્સિયન્ટ ઑલિમ્પિયા નામના સ્થળે જ્યોત પ્રગટાવવાની વિધિ શરૂ કરવામાં આવી રહી હતી ત્યારે તિબેટના ધ્વજ અને બૅનર સાથે ત્રણ દેખાવકારો વાડ કૂદીને આવી ગયા હતા (ઉપર) અને વિધિ રોકવાની માગણી કરી હતી. ‘ચીનમાં ઉયગર જાતિના મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા હોય ત્યારે બીજિંગમાં રમતોત્સવ કેમ યોજવા દેવાય?’ એવાં સૂત્રો દેખાવકારોએ પોકાર્યાં હતાં. જોકે થોડી વારમાં ગ્રીક પોલીસે તેમને કાબૂમાં લઈ લીધા હતા અને પછી જ્યોત પ્રજ્વલિત કરવા માટેની વિધિ ફરી શરૂ કરાઈ હતી (નીચે).

sports sports news