ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

03 December, 2021 02:59 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે જુનિયર હૉકી વર્લ્ડ કપની સેમી ફાઇનલ; મિશન ઑલિમ્પિક્સ સેલમાં બાઇચુન્ગ અને અંજુનો સમાવેશ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો (પ્રતીકાત્મક તસવીર)

સિંધુ-લક્ષ્ય પહોંચ્યાં સેમી ફાઇનલમાં, શ્રીકાન્તની હાર

ઇન્ડોનેશિયાના બાલીમાં રમાતી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં બે વખત ઑલિમ્પિક્સ મેડલ જીતનાર પી. વી. સિંધુ અને લક્ષ્ય સેન સેમી ફાઇનલમાં પહોંચી ગયાં છે, તો બીજા ગ્રુપની મૅચમાં પરાજય બાદ કિદામ્બીના પ્રવેશને લઈને અવઢવ છે. ૨૬ વર્ષની સિંધુ ૨૦૧૮માં આ ટાઇટલ જીતી હતી તો એક વર્ષ પહેલાં ફાઇનલમાં પહોંચી હતી. બીજા ગ્રુપની મૅચમાં તેણે જર્મનીની યુવોની લીને ૨૧-૧૦, ૨૧-૧૩થી હરાવી હતી. ગ્રુપ-એની મૅચમાં જપાનના કેન્ટો મોમાટો અને ડેન્માર્કના ખેલાડી રસમુસ ગેમકેને હરાવીને ૨૦ વર્ષનો લક્ષ્ય સેન ગ્રુપમાં બીજા ક્રમાંકનું સ્થાન મેળવીને સેમી ફાઇનલમાં પહોંચ્યો છે. કિદામ્બી શ્રીકાંતને થાઇલૅન્ડના કુનલાવુટ વિતીદસર્ને ૧૮-૨૧, ૭-૨૧થી પરાજિત કર્યો હતો.

 

આજે જુનિયર હૉકી વર્લ્ડ કપની સેમી ફાઇનલ

ભુવનેશ્વરમાં આજે જુનિયર હૉકી વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત પોતાના શાનદાર ડિફેન્સ અને ડ્રેગ-ફિલ્કિંગ ક્ષમતા દ્વારા ૬ વખત આ ટાઇટલ જીતનાર જર્મની સામે કલિન્ગા સ્ટેડિયમમાં ઊતરશે. પહેલી જ મૅચમાં ફ્રાન્સ સામે ૫-૪થી પરાજય થયા બાદ ભારતે પોતાની રમતનું સ્તર સુધારતાં બીજી વખત સેમી ફાઇનલ માટે ક્વૉલિફાય થયું હતું. બુધવારે એણે યુરોપની મજબૂત ગણાતી બેલ્જિયમની ટીમને ૧-૦થી હરાવી હતી. બીજી સેમી ફાઇનલ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે.

 

મિશન ઑલિમ્પિક્સ સેલમાં બાઇચુન્ગ અને અંજુનો સમાવેશ

ટોક્યો ઑલિમ્પિક્સમાં શાનદાર શો બાદ પૅરિસ-૨૦૨૪માં વધુ સારા પ્રદર્શન માટે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ મિશન ઑલિમ્પિક્સ સેલમાં ફુટબૉલ ખેલાડી બાઈચુુન્ગ ભુટિયા અને લૉન્ગ જમ્પર અંજુ બૉબી જ્યૉર્જનો સમાવેશ કર્યો છે. આ સેલ ટાર્ગેટ ઑલિમ્પિક્સ પોડિયમ સ્કીમ દ્વારા તૈયારીઓ પર નજર રાખશે. આ સમિતિમાં ભૂતપૂર્વ કૅપ્ટન સરદાર સિંહ, રાઇફલ શૂટિંગ દિગ્ગજ અંજલિ ભાગવત, ભૂતપૂર્વ હૉકી કૅપ્ટન ‍વીરેન  રસ્કિનહા, ટેબલ ટેનિસ સ્ટાર મોનાલિસ મહેતા અને બૅડ્મિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુન્ડેનો નવી સમિતિમાં સમાવેશ કર્યો છે.

 

ફુટબૉલ ટુર્નામેન્ટમાંથી ભારતીય મહિલા ટીમ બહાર ફેંકાઈ ગઈ 

બ્રાઝિલના મનૌસમાં રમાતી ચાર દેશોની ફુટબૉલ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમ વેનેઝુએલા સામે ૧-૨થી હારી ગઈ હતી. પરિણામે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. અગાઉ બ્રાઝિલની ટીમે પણ ભારતીય મહિલા ટીમને ૬-૧થી અને ચિલીએ ૩-૧થી હરાવી હતી. ફિફામાં વેનેઝુએલાની ટીમ ૫૭મો રૅન્કિંગ ધરાવે છે.

 

ડિસિલ્વાની સદીને કારણે શ્રીલંકા મજબૂત સ્થિતિમાં

ગૉલમાં રમાતી બીજી ટેસ્ટના ચોથા દિવસે ધનજંય ડિસિલ્વાની સદી (૧૫૩ નૉટઆઉટ)ને કારણે શ્રીલંકાએ ૮ વિકેટે ૩૨૮ રન કરીને વેસ્ટ ઇન્ડીઝ સામેની લીડને ૨૭૯ રન સુધી પહોંચાડી દીધી હતી. ડિસ્લિવાએ લસિથ એમ્બુલદેનિયા સાથે ૧૦૭ રનની નૉટઆઉટ પાર્ટનરશિપ કરી હતી, જેને કારણે શ્રીલંકા મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. શ્રીલંકાએ ગઈ કાલે ૪૬ રનમાં બે વિકેટથી પોતાની રમતની શરૂઆત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝે પોતાની પહેલી ઇનિંગ્સમાં ૨૫૩ રન બનાવીને ૪૯ રનની સરસાઈ મેળવી હતી. શ્રીલંકાએ પહેલી ઇનિંગ્સમાં ૨૦૪ રન 
બનાવ્યા હતા.

sports sports news