જૉકોવિચને ઑસ્ટ્રેલિયા સરકારનો બીજો આંચકો

15 January, 2022 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વીઝા ફરી કૅન્સલ L: દેશનિકાલ અને ત્રણ વર્ષના પ્રતિબંધની તૈયારી પુરજોશમાં : જોકે વર્લ્ડ નંબર-વન ટેનિસ પ્લેયરને હજી પણ અપીલ કરવાનો અધિકાર છે

નોવાક જૉકોવિચ

સોમવાર, ૧૭ જાન્યુઆરીએ મેલબર્નમાં શરૂ થઈ રહેલી ઑસ્ટ્રેલિયન ઓપનમાં ૨૧મું વિક્રમજનક ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની આશા લઈને આવેલો સર્બિયાનો નોવાક જૉકોવિચ કોવિડ-વિરોધી વૅક્સિન લીધા વિના આવ્યો હોવાથી ઑસ્ટ્રેલિયા સરકારે ગઈ કાલે બીજી વાર તેના વિઝા રદ કર્યા હતા. પરિણામે તેને સર્બિયા પાછા જતા રહેવાનું કહેવામાં આવશે.
જે ખેલાડીઓએ કોરોના-વિરોધી વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેમને જ ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમવાની છૂટ મળી છે. જોકે વૅક્સિન વિનાના જૉકોવિચનો હવે કદાચ દેશનિકાલ કરવામાં આવશે. એટલું જ નહીં, ફરી તેના ઑસ્ટ્રેલિયા આવવા પર કદાચ ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ મૂકવામાં આવશે, કારણ એ છે કે તેના વીઝા રદ કરાતાં હવે નવા વિઝા તેને ત્રણ વર્ષ પછી જ મળી શકે.
૧૦મા ઑસ્ટ્રેલિયન ટાઇટલનું સપનું
ઑસ્ટ્રેલિયાના ઇમિગ્રેશન મિનિસ્ટર ઍલેક્સ હૉકે ગઈ કાલે પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ વિઝા રદ કરતી વખતે પત્રકારોને જણાવ્યું, ‘સ્વાસ્થ્ય પર આધારિત જાહેર હિતને ધ્યાનમાં રાખીને મેં આ પગલું ભર્યું છે. મેં ઇમિગ્રેશન ઍક્ટની કલમ ૧૩૩સી(૩) અનુસાર મિસ્ટર નોવાક જૉકોવિચના વીઝા રદ કર્યા છે.’ આ નિર્ણયની જાહેરાતના થોડા જ કલાકો પહેલાં જૉકોવિચ મેલબર્નમાં ૧૦મા ઑસ્ટ્રેલિયન ટાઇટલ માટેની પ્રૅક્ટિસમાં વ્યસ્ત હતો. થોડા દિવસ પહેલાં સરકારે તેના વીઝા રદ કર્યા બાદ અદાલતે એને કાનૂની ગણાવ્યા હતા. અમુક ખેલાડીઓને ખાસ કારણોસર આ સ્પર્ધામાં વૅક્સિનેશનમાંથી મુક્તિ મળી છે. જોકે જૉકોવિચે પોતાને ગયા મહિને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવા સહિતની જે વિગતો સાથે જે શંકાસ્પદ માહિતીઓ આપી હતી એ ચર્ચાસ્પદ થઈ હતી અને ઑસ્ટ્રેલિયાભરમાં તેની વિરુદ્ધ વિરોધ જાગ્યો હતો. તેણે ટ્રાવેલ સંબંધમાં ખોટી જાણકારી પૂરી પાડી હતી.
વડા પ્રધાન કડક પાલન માટે મક્કમ
જૉકોવિચના વકીલ ફરી એક વાર વિઝા રદ કરવાના વિરુદ્ધમાં મેલબર્નની અદાલતમાં અપીલ કરશે. જોકે આ વર્ષે ફરી વડા પ્રધાન બનવાની ચૂંટણી લડનાર સ્કૉટ મૉરિસન દેશમાં કોવિડ સંબંધિત કાનૂનોના કડક પાલન માટે મક્કમ છે.

બે ટીવી ઍન્કરની વાતચીતનો વિડિયો લીક કરનાર કર્મચારીની હકાલપટ્ટી કરવામાં આવી
ત્રણ દિવસ પહેલાં સેવન વેસ્ટ મીડિયાના ‘સેવન ન્યુઝ’ ટીવી-શો શરૂ થાય એ પહેલાં નોવાક જૉકોવિચને ઉતારી પાડતી ચર્ચા કરનાર બે ઍન્કરની એ વાતચીતનો વિડિયો લીક કરનાર કર્મચારીની ચૅનલની કંપનીએ હકાલપટ્ટી કરી છે. એ વિડિયો ન્યુઝ પ્રેઝન્ટર્સની જાણબહાર રેકૉર્ડ કરાયો હતો જે પછીથી લીક કરાયો હતો. એમાંની મહિલા ઍન્કર રેબેકાએ જૉકોવિચ માટે ‘જુઠ્ઠો અને કપટી’ શબ્દો વાપર્યા હતા.

sports sports news