09 July, 2026 11:01 AM IST | London | Gujarati Mid-day Correspondent
નોવાક જૉકોવિચ
ઇંગ્લૅન્ડમાં મંગળવારે મોડી રાત સુધી રમાયેલી વિમ્બલ્ડન 2026ની ક્વૉર્ટર ફાઇનલમાં ૨૪ વખતના ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન નોવાક જૉકોવિચનો વિજય થયો હતો. સર્બિયાના ૩૯ વર્ષના નોવાક જૉકોવિચે કૅનેડાના પચીસ વર્ષના ફેલિક્સ ઑગર-એલિયાસિમ સામે ૭-૬, ૩-૬, ૬-૩, ૬-૭, ૭-૬ની સ્કોરલાઇન સાથે શાનદાર જીત મેળવી હતી.
પાંચ કલાક અને ૧૫ મિનિટની રમત સાથે આ મૅચ વિમ્બલ્ડન ઇતિહાસની સૌથી લાંબી ક્વૉર્ટર ફાઇનલ મૅચ બની હતી. આ પહેલાં ૨૦૦૮માં રેનર શૂટલર અને આર્નોડ ક્લેમેન્ટ વચ્ચે પાંચ કલાક અને ૧૨ મિનિટની સૌથી લાંબી વિમ્બલ્ડન ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમાઈ હતી.
૧૦ જુલાઈએ સેમી-ફાઇનલમાં નોવાક જૉકોવિચની ટક્કર મેન્સ સિંગલ્સના ડિફેન્ડિંગ ચૅમ્પિયન એવા ઇટલીના યાનિક સિનર સામે થશે. સિનર જર્મનીના જૅન-લેનાર્ડ સ્ટ્રફને ૭-૫, ૭-૬ , ૬-૩થી હરાવીને સેમી-ફાઇનલમાં પહોંચ્યો છે.
નોવાક જૉકોવિચ સતત આઠમી વખત વિમ્બલ્ડન સેમી-ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે રૉજર ફેડરરના સતત ૭ સેમી-ફાઇનલ રમવાના રેકૉર્ડને પાછળ છોડી દીધો છે.
ઓપન એરામાં એક ગ્રૅન્ડસ્લૅમ ટુર્નામેન્ટમાં ૧૫મી વખત મેન્સ સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચનાર નોવાક જૉકોવિચ ત્રીજો ખેલાડી બન્યો છે. રૉજર ફેડરર (ઑસ્ટ્રેલિયન ઓપન) અને રાફેલ નડાલ (ફ્રેન્ચ ઓપન) એ અગાઉ આ સિદ્ધિ મેળવી છે.
તે ઓપન એરામાં સૌથી વધુ ૫૦ વખત પાંચ સેટની ગ્રૅન્ડસ્લૅમ મૅચ રમનાર ખેલાડી પણ બની ગયો છે.
નોવાક જૉકોવિચે તેની કરીઅરની પંચાવનમી ગ્રૅન્ડસ્લૅમ સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણે પોતાનો ઑલ-ટાઇમ રેકૉર્ડ વધુ આગળ વધાર્યો છે.
ભૂતપૂર્વ ટેનિસ-સ્ટાર રૉજર ફેડરર ૪૬ સેમી-ફાઇનલ સાથે બીજા ક્રમે છે.