01 September, 2026 09:12 AM IST | New York | Gujarati Mid-day Correspondent
૨૦ વર્ષ પછી ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ઇવેન્ટમાં ટેનિસ સ્ટાર નોવાક જૉકોવિચનું અભિયાન પહેલા રાઉન્ડમાં જ સમાપ્ત
સર્બિયાના ૩૯ વર્ષના નોવાક જૉકોવિચનું પચીસમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન ફરી એક વખત ચકનાચૂર થયું છે. ગઈ કાલે યુએસ ઓપન 2026માં પહેલા રાઉન્ડમાં જ નોવાક જૉકોવિચને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. નોવાક જૉકોવિચે છેલ્લે ૨૦૨૩માં યુએસ ઓપનમાં જ છેલ્લું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યું હતું.
આર્જેન્ટિનાના મારિયાનો નાવોને નોવાક જૉકોવિચ સામે ૭-૬ (૭-૫), ૫-૭, ૪-૬, ૬-૨, ૬-૧ની સ્કોરલાઇન સાથે પહેલો રાઉન્ડ જીતીને મોટો અપસેટ સર્જ્યો હતો. નોવાક જૉકોવિચ અગાઉ ૨૦ વર્ષ પહેલાં ૨૦૦૬માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં પહેલાં રાઉન્ડની મૅચ હાર્યો હતો. યુએસ ઓપનમાં તેની વીસમી ભાગીદારીમાં પ્રથમ વખત તે પ્રથમ રાઉન્ડમાંથી બહાર થયો છે.
મૅચ દરમ્યાન નોવાક જૉકોવિચને ઘણી વખત ઊલટી થઈ અને તે રડી પડ્યો. આખી મૅચ દરમ્યાન તેને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ નંબર ફાઇવ ખેલાડી નોવાક જૉકોવિચ સિંગલ્સ ઇવેન્ટ પહેલાં મિક્સ્ડ ડબલ્સમાં પણ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગયો હતો.
નોવાક જૉકોવિચને હરાવનાર મારિયાનો નાવોનનો જન્મ ૨૦૦૧માં આર્જેન્ટિનાના આયર્સ પ્રાંતમાં થયો હતો. ઇટાલિયન મૂળના આ ખેલાડીએ ત્રણ વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. હાલમાં તે વર્લ્ડ રૅન્કિંગમાં ૪૯મા સ્થાને છે. ચાર ગ્રૅન્ડ સ્લૅમમાંથી તે ફક્ત ફ્રેન્ચ ઓપન 2025ના ત્રીજા રાઉન્ડ સુધી પહોંચી શક્યો છે. ટેનિસ સિંગલ્સમાં તે ૫૭ મૅચો જીત્યો છે અને ૬૭ મૅચો હાર્યો છે.
ટેનિસ-કરીઅરમાં તે ફક્ત ટિરિયાક ઓપન નામનું ATP ટૂર ટાઇટલ જીતી શક્યો છે.
સાત વખતની સિંગલ્સ ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન વીનસ વિલિયમ્સ યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં જ સાથી અમેરિકન સોફિયા કેનિન સામે હારી ગઈ હતી. ૪૬ વર્ષની વીનસ હવે નાની બહેન સેરેના સાથે વિમેન્સ ડબલ્સમાં રમતી જોવા મળશે. સોફિયા કેનિને વીનસ વિલિયમ્સ સામે ૬-૨, ૭-૬ (૮-૬)ના સ્કોર સાથે જીત નોંધાવી હતી. ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ મૅચમાં વીનસનો છેલ્લો વિજય ૨૦૨૧માં વિમ્બલ્ડનમાં હતો જ્યાં તે બીજા રાઉન્ડમાં પહોંચી હતી.