મહિલા ટેનિસમાં નંબર-વન બાદ નંબર-ટૂ પણ ફ્લૉપ

28 July, 2021 04:40 PM IST  |  Mumbai | Agency

પહેલા સેટમાં આસાન હાર બાદ બીજા સેટમાં તેણે થોડોઘણો પ્રતિકાર કર્યો હતો, પણ હારને ટાળી નહોતી શકી.

મહિલા ટેનિસમાં નંબર-વન બાદ નંબર-ટૂ પણ ફ્લૉપ

મહિલા ટેનિસમાં ટૉપની ખેલાડીઓનો ફ્લૉપ શો જોવા મળી રહ્યો છે. રવિવારે વર્લ્ડ નંબર વન ઍશ્લીઘ બાર્ટીના પરાજય બાદ ગઈ કાલે નંબર-ટૂ અને હોમ-ક્વીન જપાનની નાઓમી ઓસાકા પણ ત્રીજા રાઉન્ડમાં આઘાતજનક રીતે હારીને બહાર થઈ ગઈ હતી. ઓસાકાને ચેક રિપબ્લિકની માર્કેટા વૉન્ડ્રોઉસોવાએ સીધા સેટમાં ૬-૧, ૬-૪થી હરાવીને મોટો અપસેટ સરજ્યો હતો. 
પહેલા સેટમાં આસાન હાર બાદ બીજા સેટમાં તેણે થોડોઘણો પ્રતિકાર કર્યો હતો, પણ હારને ટાળી નહોતી શકી.
ચાર વખતની ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા ઓસાકા પાસેથી જપાનીઓને ઘણી આાશા હતી અને ઘરઆંગણે એ ગોલ્ડ મેડલ જીતશે એવો વિશ્વાસ હતો. ઓસાકાને આ ટોક્યો ગેમ્સની ઍમ્બેસૅડર પણ બનાવી હતી. 

આ હારને ઓસાકાએ પણ કારમી ગણાવી હતી અને કહ્યું હતું કે ‘ખૂબ જ દુખદાયક પરાજય હતો. મને દરેક પરાજય બાદ નિરાશા થતી હોય છે, પણ આ હારે મને વધુ દુખી કરી દીધી છે. હું ખૂબ પ્રેશરમાં હતી, કારણ કે પહેલી વાર ઑલિમ્પિક્સમાં રમી રહી હતી.’

સિંગલ્સમાં ફ્લૉપ શો બાદ બાર્ટી ડબલ્સમાં કમાલ કરવા તત્પર

વિમેન્સ નંબર વન ઍશ્લીઘ બાર્ટી સિંગલ્સની નિષ્ફળતાને ડબલ્સમાં કમાલ કરીને ભૂલવા તત્પર છે. વિમેન્સ ડબલ્સમાં પાર્ટનર સ્ટૉર્મ સૅન્ડર્સ સાથે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બાર્ટી મિક્સ્ડ ડબલ્સમાં પણ જૉન પિયર્સ સાથે જોડી બનાવી કોર્ટમાં ઊતરશે. ગઈ કાલે મિક્સ્ડ ડબલ્સ માટેની ૧૬ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. મેન્સ નંબર-વન નોવાક જૉકોવિચ પણ એમાં રમવાનો છે. તેણે સર્બિયાની તેની સાથી નિના સ્ટોજૅનોવિક સાથે જોડી બનાવી છે.

sports news sports