News In Short: ઑલિમ્પિક મેડલિસ્ટ હૉકી પ્લેયર વરિન્દર સિંહનું નિધન

29 June, 2022 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત ૧૯૭૫માં હૉકીનો વર્લ્ડ કપ અને એ પહેલાં ૧૯૭૩માં વિશ્વકપનો સિલ્વર મેડલ જીત્યું હતું

ઑલિમ્પિક મેડલિસ્ટ હૉકી પ્લેયર વરિન્દર સિંહનું નિધન

ઑલિમ્પિક્સમાં અને વર્લ્ડ કપમાં રમી ચૂકેલા ભારતના ભૂતપૂર્વ હૉકી ખેલાડી વરિન્દર સિંહનું ગઈ કાલે જલંધરમાં ૭૫ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. ભારત ૧૯૭૫માં હૉકીનો વર્લ્ડ કપ અને એ પહેલાં ૧૯૭૩માં વિશ્વકપનો સિલ્વર મેડલ જીત્યું હતું અને વરિન્દર એ બન્ને મેડલ-વિનિંગ ટીમમાં હતા અને ટીમને ચંદ્રક અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ૧૯૭૩ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને ૨-૧થી હરાવ્યું હતું. ૧૯૭૨માં યોજાયેલી મ્યુનિક ઑલિમ્પિક્સમાં પણ તેઓ રમ્યા હતા. ૨૦૦૭માં વરિન્દરને ધ્યાનચંદ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બંગલાદેશ ૧૦૦મી ટેસ્ટ હાર્યુંઃ વેસ્ટ ઇન્ડીઝ ૨-૦થી વિજેતા

વેસ્ટ ઇન્ડીઝે ઘરઆંગણે બંગલાદેશને બીજી ટેસ્ટમાં પણ હરાવીને શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. બન્ને ટેસ્ટ ચોથા દિવસે જ જીતી લેવાઈ છે. બંગલાદેશની આ ૧૦૦મી ટેસ્ટ હતી અને સોમવારે શાકિબના સુકાનવાળી એ ટીમને બીજા દાવમાં ૧૮૬ રનમાં આઉટ કરીને ક્રેગ બ્રેથવેઇટની ટીમે ૧૩ રનનો લક્ષ્યાંક વિના વિકેટે મેળવી લીધો હતો. લેફ્ટ-હૅન્ડ બૅટર અને ઑલરાઉન્ડર કાઇલ મેયર્સને મૅન આફ ધ મૅચ અને મૅન આફ ધ સિરીઝનો અવૉર્ડ અપાયો હતો. તેણે બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ૧૪૬ રન બનાવ્યા હતા અને સિરીઝમાં કુલ ૬ વિકેટ લીધી હતી. કીમાર રૉચે કરીઅરમાં ૨૫૦ વિકેટ પૂરી કરી એ નિમિત્તે સર કર્ટલી ઍમ્બ્રોઝે તેને સોમવારે સ્પેશ્યલ ટી-શર્ટ ભેટ આપ્યું હતું.

પ્રણીત અને સમીર મલેશિયામાં હારી ગયા

જકાર્તામાં રમાતી મલેશિયા ઓપન બૅડ્મિન્ટન સ્પર્ધામાં ગઈ કાલે બી. સાઈ પ્રણીત અને સમીર વર્મા હારી ગયા હતા. પ્રણીતનો ઇન્ડોનેશિયાના ઍન્થની ગિન્ટિંગ સામે ૧૫-૨૧, ૨૧-૧૯, ૯-૨૧થી અને સમીરનો ઇન્ડોનેશિયાના જ જોનટન ક્રિસ્ટી સામે ૧૪-૨૧, ૨૧-૧૩, ૭-૨૧થી પરાજય થયો હતો.

એક વાક્યના સમાચાર

ઑસ્ટ્રેલિયામાં આગામી ૧૬ ઑક્ટોબરે શરૂ થનારા ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ન્યુ ઝીલૅન્ડમાં કિવીઓ તેમ જ પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે ૧૪ ઑક્ટોબર સુધી ટી૨૦ની ટ્રાય-સિરીઝ રમાશે. વિશ્વકપ પછી ભારતીયો ન્યુ ઝીલૅન્ડ જશે અને ત્રણ ટી૨૦ તથા ત્રણ વન-ડે રમશે.

sports news hockey