પંકજ અડવાણી પહેલું વર્લ્ડ ટાઇટલ જીત્યો એ જ તારીખે વિશ્વસ્પર્ધા માટે થયો ક્વૉલિફાય

26 October, 2021 04:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબર ૨૦૦૩ની ફાઇનલમાં પાકિસ્તાની હરીફને હરાવેલો : આદિત્ય મહેતા પણ વિશ્વસ્પર્ધામાં રમશે

વિશ્વસ્પર્ધા માટે ક્વૉલિફાય થયેલો પંકજ અડવાણી

વર્લ્ડ નંબર-વન સ્નૂકર અને બિલિયર્ડ્સ ખેલાડી પંકજ અડવાણીએ ગોરેગામની જીએસસી વર્લ્ડ સ્નૂકર ક્વૉલિફાયર્સમાં પોતાની તમામ મૅચો જીતીને સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે, જ્યારે નૅશનલ ચૅમ્પિયન આદિત્ય મહેતા બીજા સ્થાને રહ્યો છે. ૨૦૦૩માં ૧૮ વર્ષની નાની ઉંમરે વિશ્વસ્પર્ધાઓ જીતવાની શરૂઆત કરનાર અને ૨૩ ઑક્ટોબરે (શનિવારે) પૂરી થયેલી ગોલ્ડન કરીઅરનાં ૧૮ વર્ષમાં કુલ ૨૪ વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતીય ક્યુ સ્પોર્ટ્સના ૩૬ વર્ષના ગોલ્ડન બૉય અડવાણીએ મુંબઈની સ્પર્ધામાં બધી ૧૨ મૅચ જીતી લીધી હતી અને કુલ ૧૦,૭૬૦ પૉઇન્ટ મેળવ્યા હતા. આદિત્ય મહેતા ચાર મૅચ જીત્યો અને બે મૅચ હાર્યો એ સાથે તેના ૧૦,૧૫૬ પૉઇન્ટ થતાં બીજા નંબરે રહ્યો હતો. લક્ષ્મણ રાવત (૯૩૯૬) ત્રીજા સ્થાને હતો.

અડવાણીએ ૨૦૦૩માં સ્નૂકરનું પ્રથમ વર્લ્ડ ટાઇટલ મેળવ્યું એને ગઈ કાલે ૧૮ વર્ષ પૂરાં થયાં હતાં. ત્યારે તે ચીનમાં પાકિસ્તાની હરીફને પરાજિત કરીને ટાઇટલ જીત્યો હતો. ખુદ અડવાણીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘હું ૨૦૦૩માં જે તારીખે (પચીસમી ઑક્ટોબરે) પહેલું વર્લ્ડ ટાઇટલ જીતેલો એ જ તારીખે અત્યારે (૨૫ ઑક્ટોબર, ૨૦૨૧) હું દોહાની વિશ્વસ્પર્ધા માટે ક્વૉલિફાય થયો એ બદલ ખૂબ રોમાંચિત છું.’

બૅન્ગલોરનો અડવાણી અને મુંબઈનો આદિત્ય દોહામાં આવતા મહિને અથવા ડિસેમ્બરમાં યોજાનારી વર્લ્ડ સ્નૂકર ચૅમ્પિયનશિપ માટે ભારત વતી ભાગ લેવા ક્વૉલિફાય થઈ ગયા છે. મુંબઈની એક મૅચમાં અડવાણીએ આદિત્યને ૪-૧થી હરાવ્યો હતો.

sports sports news