07 August, 2024 10:47 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
કરીઅરના સેકન્ડ બેસ્ટ થ્રો સાથે નીરજ ચોપડા ફાઇનલમાં
ભારતના ડિફેન્ડિંગ ચૅમ્પિયન નીરજ ચોપડાએ ગઈ કાલે જૅવલિન થ્રો ક્વૉલિફિકેશનમાં તેના પ્રથમ પ્રયાસમાં ૮૯.૩૪ મીટરના થ્રો સાથે પૅરિસ ઑલિમ્પિક્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નીરજ ગ્રુપ Bની સાથે ઓવરઑલ ક્વૉલિફિકેશનમાં પ્રથમ હતો, તેણે ૮૯.૩૪ મીટર સાથે આ સીઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પણ તેના પહેલા જ પ્રયાસમાં ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું હતું.
નીરજની કરીઅરનું આ બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. ડિફેન્ડિંગ ઑલિમ્પિક અને વર્લ્ડ ચૅમ્પિયને ૮૭.૫૮ મીટરના પ્રયાસ સાથે ટોક્યો ઑલિમ્પિક્સનો ગોલ્ડ જીત્યો હતો, જ્યારે તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન ૮૯.૯૪ મીટર છે જે તેણે ૨૦૨૨માં સ્ટૉકહોમ ડાયમન્ડ લીગમાં સિલ્વર મેડલ જીતીને હાંસલ કર્યું હતું.
ગઈ કાલે ૮૯.૩૪ મીટરનો થ્રો કરતો નીરજ ચોપડા
૮૪ મીટર કે એથી વધુના થ્રો સાથેના તમામ ખેલાડીઓ ટૉપ-12માં સ્થાન મેળવીને ફાઇનલ માટે ક્વૉલિફાય થયા હતા. કૉમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ વિજેતા પાકિસ્તાનના અરશદ નદીમે (૮૬.૫૯ મીટર) પણ ચોથા ક્રમે રહીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
જૅવલિન થ્રોની ફાઇનલ ૮ ઑગસ્ટે રાત્રે રમાશે.
કિશોર જેના ૩૨માંથી ૧૮મા સ્થાને રહ્યો
ભારતનો કિશોર જેના ગઈ કાલે જૅવલિન થ્રો ગ્રુપ-A ક્વૉલિફિકેશનમાં ૮૦.૭૩ મીટરના પ્રયાસ સાથે પોતાના ગ્રુપમાં નવમા અને ઑલઓવર અઢારમા સ્થાને રહીને બહાર થઈ ગયો હતો. ગયા વર્ષે ઑક્ટોબરમાં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને તેણે ૮૭.૫૪ મીટરના થ્રો સાથે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાય કર્યું હતું. આ પછી તે છ ઇવેન્ટમાં એક જ વાર ૮૦ મીટરનું અંતર પાર કરવામાં સફળ રહ્યો હતો.