30 August, 2025 12:34 PM IST | Paris | Gujarati Mid-day Correspondent
પી. વી. સિંધુ
પૅરિસમાં આયોજિત બૅડ્મિન્ટન વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના અભિયાનને ગઈ કાલે ડબલ ફટકો પડ્યો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં ભારતની બે વખતની ઑલિમ્પિક્સ મેડલ વિજેતા પી. વી. સિંધુને ઇન્ડોનેશિયાની પુત્રી કુસુમા વર્દાની સામે ૧૪-૨૧, ૨૧-૧૩, ૧૬-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટુર્નામેન્ટમાં એક ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રૉન્ઝ મેડલ જીતનાર પી. વી. સિંધુ છઠ્ઠા મેડલની આશા રાખી રહી હતી.
ધ્રુવ કપિલા અને તનીશા ક્રૅસ્ટો
ધ્રુવ કપિલા અને તનીશા ક્રૅસ્ટોની ભારતીય મિક્સ્ડ ડબલ્સની જોડી વિશ્વની ચોથા ક્રમાંકિત મલેશિયન જોડી સામે ક્વૉર્ટર ફાઇનલમાં ૧૫-૨૧, ૧૩-૨૧થી હાર મળતાં સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે એને કારણે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ મિક્સ્ડ ડબલ્સ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આ ટુર્નામેન્ટમાં હવે ભારતની મેડલ જીતવાની આશા સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડી પર છે જે ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ છે.